Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

પૂર્વ વિસ્તારમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરાતા ચકચાર

ઓઢવમાં યુવકની હત્યાને પગલે અનેક સવાલો : પૂર્વ વિસ્તારમાં હત્યા-ગુનાહિત બનાવો અટકવાનું નામ નથી લેતા, સ્થાનિક રહીશોમાં પોલીસ સામે ઉગ્ર આક્રોશ

અમદાવાદ,તા. ૧ : શહેરના પૂર્વ વિસ્તારમાં હત્યાના બનાવોનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. પૂર્વના ઓઢવ વિસ્તારમાં રબારી વસાહતમાં ગઇકાલે મોડી રાતે એક યુવકની ચપ્પાના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી દેવાતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. હત્યા સહિતના અન્ય ગુનાહિત બનાવોના કારણે પૂર્વ વિસ્તારમા સ્થાનિક રહીશોમાં એક પ્રકારની અસલામતીની ભાવના ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વૃધ્ધોમાં ફફડાટની લાગણી પ્રવર્તી રહી છે તેમછતાં દિન પ્રતિદિન વધતાં જતાં આવા બનાવોની સામે પૂર્વની પોલીસ દ્વારા કોઇ જ અસરકારક કામગીરી કરવામાં નહી આવતાં સ્થાનિક રહીશોમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના અમરાઇવાડી વિસ્તારમાં આવેલ રબારી કોલોનીમાં રહેતો ૨૩ વર્ષીય મનોજ નથુરામ વર્મા સ્ટીલની કંપનીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગઇકાલે મોડી રાત્રે ઓઢવ વિસ્તારમાં રબારી વસાહત પાસે આવેલ રણછોડજી મંદિર નજીક કેટલાક અજાણ્યા શખ્સોએ મનોજને આંતરી તેને ચપ્પાના ઉપરાઉપરી ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં મનોજ ત્યાં જ જમીન પર ફસડાઇ પડયો હતો, બીજીબાજુ, હુમલાખોર શખ્સો ત્યાંથી નાસી છૂટયા હતા. ઇજાગ્રસ્ત મનોજ વર્માને સારવાર માટે હોસ્પિટલમાં પણ લઇ જવાયો હતો, જો કે, તેનો જીવ બચી શકયો ન હતો. આમ, ઓઢવમાં જાહેરમાં ચપ્પાના ઘા ઝીંકી યુવકની હત્યાના બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. બનાવની જાણ થતાં ઓઢવ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને તપાસ હાથ ધરી હતી. જો કે, પોલીસ દ્વારા હાથ ધરાયેલી પ્રાથમિક તપાસમાં યુવકની હત્યા જૂની અંગત અદાવતમાં થઇ હોવાનું મનાય છે પરંતુ તેમછતાં પોલીસે હત્યાનું ચોક્કસ કારણ જાણવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આરોપીઓની શોધખોળ પણ શરૂ કરી છે. પૂર્વ વિસ્તારમાં હત્યા સહિતના બનાવોને લઇ સમગ્ર વિસ્તારમાં સ્થાનિક લોકોમાં પોલીસની ભૂમિકાને લઇ ઉગ્ર આક્રોશ પ્રવર્તી રહ્યો છે અને પૂર્વમાં ગુનાખોરીને ડામવા પોલીસ નક્કર કાર્યવાહી કરે તેવી લાગણી ઉઠી છે.

(8:23 pm IST)