Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

પલસાણાના બલેશ્વરની સીમમાં પોલીસે બાતમીના આધારે પાર્કિંગમાં ઉભેલ ટેમ્પામાંથી 15.61 લાખનો દારૂનો જથ્થો ઝડપ્યો

પલસાણા: તાલુકાના બલેશ્વર ગામની સીમમાં ને.હા.નં. ૪૮ પર આવેલી  હોટલના  પાર્કીંગમાં ઉભેલા આઇશર ટેમ્પામાંથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રૂ. ૧૫.૬૧ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડી ચાલકની ધરપકડ કરી હતી. વાપી ખાતે વિદેશી દારૂ ભરેલો ટેમ્પો અજાણ્યા શખ્સે ચાલકને આપી સુરત લઇ જવા જણાવ્યું હતું.

ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરના પીઆઇ એન.એસ. ચૌહાણને મળેલી બાતમી આધારે ગતરોજ રાત્રે ને.હા.નં. ૪૮ પર બલેશ્વર ગામની સીમમાં આવેલી હોટલના પાર્કીંગમાં વિદેશી દારૂ ભરેલો આઇશર ટેમ્પાની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન મળસ્કે પાંચેક વાગ્યાના સુમારે હોટલ સહયોગના પાર્કીંગમાં ટોયલેટ નજીક બાતમી મુજબનો ટેમ્પો  (નં. જીજે-૧-બીવી- ૧૭૯૨) ઉભેલો હતો અને ચાલક ટેમ્પામાં બેઠેલો હતો.

પોલીસે ટેમ્પાચાલક દેવેન્દ્ર જમાદારભાઇ યાદવ (ઉ.વ. ૩૬, હાલ રહે. મગદલ્લા બંદર, જેટી પાસે, સુરત. મૂળ રહે. બ્રીટ તોલા પોસ્ટ ભીખાબંદ સજોતરા, થાણા- દરાઉન્દ જિ. સિવાન, બિહાર)ને નીચે ઉતારી ટેમ્પાની તલાશી લેતાં તેમાં  વિદેશી દારૂનો જથ્થો ભરેલો હતો.

પોલીસે ટેમ્પાને પલસાણા પોલીસ મથકે લઇ જઇ વિદેશી દારૂની ગણતરી કરતા અલગ અલગ ૪૯૮ બોક્સમાં ૧૫,૫૦૪ વિદેશી દારૂની બોટલો કિંમત રૂ.૧૫,૬૧,૨૦૦નો જથ્થો મળી આવતા રૂ. ૧૦ લાખના ટેમ્પો, મોબાઇલ સાથે કુલ રૂ. ૨૫,૬૩,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

(5:05 pm IST)