Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

ગુજરાતમાં પાણીની તંગીઃ શહેરોમાં થશે પાણીકામ

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરોના મ્યુનિસિપલ કોર્પોરેશન્સમાં આગામી બે અઠવાડિયામાં પાણીનો સપ્લાય ઓછો કરે તેવી સંભાવના : અમદાવાદમાં નર્મદા અને કડાણા ડેમ સહિત અન્ય માધ્યમોથી દરરોજ ૧૪૨૦ મિલિયન લીટર પાણી પુરૃં પાડવામાં આવે છે, જે ઘટાડીને 200MLD કરી દેવામાં આવશેઃ આ સિવાય રાજકોટ અને વડોદરામાં પણ સપ્લાય ઘટાડીને 50MLD કરી દેવામાં આવશે

નવી દિલ્હી તા. ૧ : પાણીની તંગીને કારણે રાજય સરકારે સિંચાઈ માટે અને ઈન્ડસ્ટ્રીઝને માર્ચ ૧૫ પછી પાણીના સપ્લાયમાં કાપ મુકવાની જાહેરાત કરી હતી અને હવે શહેરોમાં પાણીના સપ્લાયમાં કાપ મુકવાનો પણ નિર્ણય લીધો છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરો સહિતના મ્યુનિસિપલ કોર્પોરેશન્સ અને મ્યુનિસિપાલિટીમાં આગામી બે અઠવાડિયામાં પાણીનો સપ્લાય ઓછો કરવામાં આવે તેવી સંભાવના છે.

બુધવારના રોજ થયેલી કેબિનેટ મીટિંગમાં ચીફ સેક્રેટરી અને પાણી પુરવઠા વિભાગના ઉચ્ચ અધિકારીઓએ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના મંત્રીઓને પાણીની તંગી વિષે બ્રીફ કર્યા હતા. અધિકારીઓએ ૬ મહિનાનો વોટર સપ્લાય પ્લાન રજુ કર્યો હતો, જેથી જૂન મહિનામાં ચોમાસુ આવે ત્યાં સુધી પાણીનો મર્યાદિત પુરવઠો જળવાઈ રહે.

સૂત્રોએ જણાવ્યું કે, અમદાવાદમાં નર્મદા અને કડાણા ડેમ સહિત અન્ય માધ્યમોથીદ દરરોજ ૧૪૨૦ મિલિયન લીટર(MLD) પાણી પુરું પાડવામાં આવે છે, જે ઘટાડીને 200MLD કરી દેવામાં આવશે. આ સિવાય રાજકોટ અને વડોદરામાં પણ સપ્લાય ઘટાડીને 50MLD કરી દેવામાં આવશે. દક્ષિણ ગુજરાતમાં ગયા વર્ષની સરખામણીમાં ૨૭ ટકા પાણી ઓછું હોવાને કારણે સુરતમાં પણ કાપ મુકવામાં આવશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, આ વખતે પાણીની તંગી છે તે વાસ્તવિકતા છે જેનો સામનો કરવો જ પડશે. અમે પાણી પુરવઠો જળવાઈ રહે તે માટેના અનેક પરિબળો પર વિચાર કર્યો છે અને શહેરોમાં પાણીકાપ પણ કરવામાં આવશે, આ સિવાય ફ્રેન્ચ વેલ્સ જેવા પાણીના રિસોર્સનો પણ ઉપયોગ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ટોટલ સ્ટોરેજ કેપેસિટી કરતાં માત્ર ૪૯.૮ ટકા જ પાણી છે, જે ગયા વર્ષની સરખામણીમાં ૧૩ ટકા ઓછું છે. મધ્યપ્રદેશમાં નર્મદા જયાંથી પસાર થાય છે તે વિસ્તારોમાં ઓછા વરસાદને કારણે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પાણીની તંગી ઉભી થઈ છે.

રાજયભરના ૨૦૯ ડેમમાં પાણીનું સ્ટોરેજ ઓછું હોવાને કારણે વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ તરફથી અમુક ભલામણો રજુ કરવામાં આવી છે, જેથી શહેરો, જિલ્લાઓ અને ગામડાઓમાં પીવાનું પાણી પહોંચી રહે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દરેક મ્યુનિસિપલ કોર્પોરેશન્સને સુચના આપવામાં આવી છે કે તે પોતાના સેકન્ડરી પ્લાન તૈયાર રાખે, જેથી ઉનાળામાં કોઈ મુશ્કેલી ઉભી ન થાય.

(9:47 am IST)