Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

હિંમતનગરનાં ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ ચૂંટણીખર્ચ નિયત મર્યાદામાં કર્યો' તોઃ સરવાળો ખોટો હોવાનુ જણાવતા ચૂંટણી અધિકારી

બનાસકાંઠા : હિંમતનગરના ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ ચૂંટણી ખર્ચ નિયત મર્યાદામાં જ થયો હોવાનું ચૂંટણી અધિકારી શ્રી એ જણાવતા આ વિવાદ ઉપર પુર્ણવિરામ મુકાય ગયુ છે.

સાબરકાંઠાના ચૂંટણી અધિકારી મુકેશ પરમારના જણાવ્યા પ્રમાણે રાજેન્દ્રસિંહ ચાવડાએ નિયત મર્યાદામાં રહીને ચૂંટણી ખર્ચ કર્યો હતો. રાજેન્દ્રસિંહે ચૂંટણીમાં નિયત મર્યાદા કરતાં વધુ ખર્ચો કર્યો હોવાનું સામે આવતા તેનું એકાઉન્ટીંગ કરાવ્યું હતું. જેમાં સામે આવ્યુ હતું કે તેમણે કુલ ૨૨,૩૮,૯૦૦ લાખ રૂપિયા ખર્ચો હતો જેમાં તેમનો પોતાના, પક્ષનો અને બીજી વ્યકિતઓએ કરેલો ખર્ચ સામેલ હતો.

જો કે રાજેન્દ્રસિંહે પોતાના ખર્ચની વિગતો ઓનલાઇન મુકવામાં ભુલ કરતાં એવું સામે આવ્યું હતું કે તેમણે ચૂંટણી પંચની મર્યાદા કરતા વધુ ખર્ચ કર્યો છે. રાજેન્દ્રસિંહે ખર્ચની વિગતો માટે જે ઓનલાઇન ફોર્મ ભર્યુ હતું જેમાં કોલમ આધીપાછી થઇ જતાં ભૂલ થઇ ગઇ હતી.

ચૂંટણી પ્રચારમાં સૌથી વધુ ફંડ વાપરનારા ટોચના પાંચ ધારાસભ્યોમાં ચાર ભાજપના હતા. જેમાં સૌ પહેલા ભાજપના હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા આવે છે. જેમણે ૩૩.૭૮ લાખ રૂપિયા વાપર્યા હોવાનું સામે આવતા તે ડિસકવોલીફાઇડ થાય તેવી સ્થિતીનું નિર્માણ થયું હતું.

હિંમતનગરના ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ચૂંટણી પંચની ખર્ચ મર્યાદા કરતા ૫ લાખ કરતાં વધુનો ખર્ચ કર્યો હોવાનું સામે આવ્યું હતું આ મામલે વિવાદ થતાં  આવતા ચૂંટણી અધીકારીઓએ ચૂંટણી ખર્ચની ચકાસણી હાથ ધરતા જ હવે આ મામલે સ્પષ્ટતા રજુ કરી છે કે ચૂંટણી ખર્ચના કોલમ નંબર બદલાઇ જવાને લઇને ખર્ચનો આંકડો બદલાઇ જતાં અંતે સરવાળો ખોટો આવ્યો હતો અને આમ ઉમેદવારે ક્ષતી સર્જી હતી અને જેને લઇને આંકડો ખોટો આવ્યો હતો.

આ બાબતે ચૂંટણી પંચ સમક્ષ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા દ્વારા ક્ષતીના સુધારો કરવા માટે પણ પ્રક્રિયા હાથ ધરાઇ છે.

(8:25 pm IST)