Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

ખેડૂત આંદોલન વચ્ચે અમદાવાદમાં ભાજપના ધારાસભ્ય બનાવશે ખાનગી માર્કટયાર્ડ

મોટી કંપની, બિઝનેસ ગ્રુપ ઝંપલાવે એ પહેલા ધારાસભ્યે વટવા નજીક ખાતમુહૂર્ત પણ કરી નાખ્યું : ખાનગી સેક્ટરમાં આવવાથી એમએસપી, એપીએમસીને ખતમ થશે તેવા ખેડૂતોના ભય વચ્ચે એકાદ વર્ષમાં નવું કાર્યરત કરી દેવા યોજના :ખાનગી ન્યુઝ ચેનલની વેબસાઈટ પર મોટો ખુલાસો

અમદાવાદ : દેશભરમાં કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલન વચ્ચે અમદાવાદમાં ભાજપના ધારાસભ્ય ખાનગી માર્કેટયાર્ડ બનાવવા લાગી ગયા છે, કૃષિ કાયદાનો ખાનગી એપીએમસીઓના કારણે હાલમાં જે એપીએમસી વ્યવસ્થા છે તે ખતમ થઈ જવાનો ખેડૂતોને ભય છે. જેના કારણે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે.તેવામાં ભાજપના જ  ધારાસભ્યે તો ખાનગી એપીએમસી માર્કેટયાર્ડ બનાવવાનું શરુ કરી દીધું છે અમદાવાદના વટવા નજીકમાં બીજેપી ધારાસભ્યે ખાનગી માર્કેટયાર્ડ બનાવવા માટે ખાતમુહૂર્ત પણ કરી નાખ્યું છે હજુ મોટી કંપનીઓ કે બિઝનેસમેનો આ સેક્ટરમાં ઝંપલાવે તે પહેલા ગુજરાતમાં ભાજપા ધારાસભ્યે કૃષિક્ષેત્રમાંથી મલાઈ તારવી લેવા માટે ખાનગી યાર્ડ બનાવવાની પહેલ કરી દીધીછે

   દેશભરમાં 3 નવા કૃષિકાયદાના વિવાદ વચ્ચે ખાનગી માર્કેટિંગ યાર્ડનું કાર્ય શરૂ થતાં જ ઠેરઠેર ચર્ચાઓ ચાલુ થઈ છે. આ ખાનગી માર્કેટયાર્ડનું નામ કર્ણાવતી એગ્રીકલચર માર્કેટિંગ યાર્ડ નામ અપાયું છે. આ ખાનગી માર્કેટયાર્ડ ગુજરાત દસક્રોઈના MLA બાબુ જમનાદાસ પટેલનું માર્કેટિંગ યાર્ડ છે. હાલમાં થયેલા ભૂમિપૂજન બાદ આ માર્કેટયાર્ડ 1 વર્ષની અંદર કાર્યરત કરવાના પ્લાનિંગ સાથે તમામ કામકાજ કરાશે, હાલમાં કેટલાક વેપારીઓ દ્વારા બુકીંગ પણ કરાવવામાં આવ્યું હોવાની બીજેપીમાં અંદરોઅંદર ચર્ચા થઈ રહી છે.

   સરકાર ખેડૂતોના હામી થવા અને આવક ડબલ કરવાના પ્રયાસો કરી રહી છે. એવું સમજાવવા માટે ગુજરાત ભાજપાએ ઠેરઠેર કાર્યક્રમો કરી મોદી સરકાર દ્વારા લવાયેલા કાયદાઓ ખેડૂતોના લાભ માટે છે. પરંતુ ખેડૂતોને કૃષિ ક્ષેત્રના ખાનગીકરણનો મોટો ભય સતાવી રહ્યો છે. શિક્ષણના ખાનગીકરણથી જેમ સરકારી સ્કૂલોની આવરદા ટૂંકી થઈ તેમ ખાનગી એપીએમસી થવાને કારણે હાલની એપીએમસી વ્યવસ્થા ખતમ થવાનો પણ ભય છે

સરકાર કૃષિ ક્ષેત્રના નવા કાયદાઓ લાવી ખેડૂતો માટે વિવિધ તકો ઉભી કરી રહી હોવાનું સતત જણાવી રહીછે પરંતુ હજુ સુધી ખેડૂતોના ગળે આ વાત ઉતારી શકી નથી. વિવિધ તબક્કાઓની બેઠકો પણ નાકામિયાબ રહી છે. મોદી સરકાર માટે કાયદા પરત લેવા અહમનો સવાલ થઈ ગયો છે. હાલમાં સુધારા માટે સરકાર ખેડૂતોને પ્રપોઝલો આપી રહી છે. પરંતુ ખેડૂતો આ કાયદાને પરત કરાવવા અડગ છે. ખેડૂતોને કૃષિક્ષેત્રમાં મોટી કંપનીઓ, બિઝનેસમેનો આ સેક્ટરમાં ઝંપલાવશે તો હાલની જે નાના વેપારીઓ અને ખેડૂતો સાથેની એપીએમસી વ્યવસ્થા ખતમ થવાનો ડર છે.

દેશભરમાંથી ખેડૂતો કૃષિ કાયદાઓનો વિરોધ નોંધાવતા સરકાર સામે આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોને ભય છે કે મોટા બિઝનેસમેનો આ સેક્ટરમાં આવીને એમએસપી, એપીએમસીને ખતમ કરી નાંખશે. સરકારે લાવેલા 3 નવા કાયદાઓના વિરોધ વચ્ચે ખેડૂતો વચ્ચે 7 તબક્કાઓની બેઠક છતાં મોદી સરકાર ખેડૂતોને મનાવવા સફળ થઈ નથી.

(11:40 pm IST)