Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

કારમાંથી શેરબજારના વેપારીનો મૃતદેહ મળ્યો

ત્રણ દિવસથી ગુમ હોવાનું બહાર આવ્યું : કાર ડોન્ટ ટચ મી, કોલ પોલીસ એવું લખાણ લખેલું જોવા મળતા લોકોએ પોલીસ તેમજ ૧૦૮ને જાણ કરી હતી

સુરત,તા.૧ : ત્રણ દિવસથી ગુમ શેરબજારના ધંધાર્થીનો મૃતદેહ આજે તેની ગાડીમાંથી મળતા ચકચાર મચી છે. ચોંકાવનારી વાત એ છે કે, આ યુવાન ધંધાર્થીએ કાર્બન મોનોક્સાઈડને શ્વાસમાં લઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. પોલીસને તેની ગાડીમાંથી કાર્બન ડાયોક્સાઈડના સિલિન્ડર પણ મળી આવ્યા હતા. સંદીપ દાલમિયા નામના આ શખ્સે કાર્બન મોનોક્સાઈડના સિલિન્ડરની પાઈપને પોતાના મોઢામાં નાખી દીધી હતી. શહેરના અલથાણ વિસ્તારમાં આવેલ સોહમ સર્કલ પાસે આજે સંદીપની કાર પડી હતી, અને તેના પર 'ડોન્ટ ટચ મી, કોલ પોલીસ' એવું લખાણ લખેલું જોવા મળતા લોકોએ તરત જ આ અંગે પોલીસ તેમજ ૧૦૮ને જાણ કરી હતી. પોલીસને તેની પાસેથી એક ચિઠ્ઠી પણ મળી હતી, જેમાં હું મારી રીતે મરું છું તેવું લખાણ લખેલું હતું. જોકે, અંતિમ પગલું ભરનારો સંદીપ છેલ્લા ત્રણ દિવસથી ગુમ કેમ હતો તે તપાસનો વિષય બન્યો છે. હાલ પોલીસે સંદીપના કુટુંબીજનો તેમજ તેના મિત્રોની પૂછપરછ હાથ ધરી છે.

          સંદીપ કોઈ આર્થિક સંકડામણમાં હતો કે કેમ, તે ત્રણ દિવસથી ગુમ હતો તો તેની કોઈ ફરિયાદ કરાઈ હતી કે નહીં તે સહિતના મુદ્દા પર તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત, સંદીપની કોલ ડિટેઈલ્સ કઢાવીને તેણે જીવન ટૂંકાવવા માટે આવો રસ્તો જ કેમ અપનાવ્યો તેના વિશે પણ તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, લોકડાઉન બાદ સર્જાયેલી સ્થિતિને કારણે અનેક વેપારીઓના કામકાજ પડી ભાંગતા આર્થિક સંકડામણને કારણે સુરતમાં પણ કેટલાક ધંધાર્થીઓએ જીવન ટૂંકાવ્યા છે. જોકે, હાલ સ્થિતિ સામાન્ય બની રહી છે ત્યારે સંદીપે આવું કેમ કર્યું તે ચર્ચાનો વિષય બન્યો છે. યુવા વેપારીએ આખરે કેમ પોતાનું જીવન ટૂંકાવ્યું તેનું ખરું કારણ પોલીસ તપાસ બાદ જ બહાર આવી શકશે.

(9:04 pm IST)