Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

વેપારીને સોનાના પૈસા નહીં મળતાં આત્મહત્યાનો પ્રયાસ

અમદાવાદમાં સોના-ચાંદીના વેપારી સાથે છેતરપિંડી : આઈપીએસે સમાધાન કરાવ્યા બાદ પણ પૈસા ન મળતાં સોનીએ ચિઠ્ઠી લખીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો

અમદાવાદ , તા. ૧ : શહેરના બોપલ વિસ્તારમાં સોના-ચાંદીના એક વેપારીએ આપઘાતના પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે વેપારીએ ૧૦ કિલો ગોલ્ડની ઉઘરાણીના પૈસા પરત ન મળતા ઝરે ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટના અંગે બોપલ પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ મંથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ઘૂમામાં રહેતા નલીન શાહ સોના-ચાંદીના દાગીના બનાવવાનો વેપાર કરે છે. તેઓ ૩ વર્ષથી વસ્ત્રાલમાં રહેતા પ્રિતેશ સોનીને દાગીના આપતા હતા અને પ્રિતેશ વેચાણ કરીને પૈસા આપતા હતા. આથી પ્રિતેશ અને નલીન વચ્ચે સંબંધો સારા બની ગયા હતા. આ દરમિયાન નલીને ૧૦ કિલો સોનાના દાગીને બનાવીને પ્રિતેશને આપ્યા હતા. બાદમાં પૈસાની માંગણી કરતા પ્રિતેશ કહ્યું હતું કે, હું હાલમાં ફસાયેલો છું, મારા રૂપિયા પણ સામેથી આવ્યા નથી. આવશે એટલે તમને આપી દઈશ. આ વાતને બે વર્ષ થઈ ગયા છતાં પ્રિતેશે પૈસા કે સોનું પરત આપ્યા નહોતા.

બાદમાં પ્રિતેશ અને તેમના દીકરાએ નલીનને જણાવ્યું હતું કે, હાલમાં પૈસા આપી શકીશું નહી, તેથી નલીને અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં અરજી કરી હતી. જેમાં એક આઈપીએસ અધિકારીએ બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું. પ્રિતેશે તથા કૌશિક રાવળ અને રાકેશ રાજપરા સમાધાનમાં હાજર રહ્યા હતા અને બાદમાં નલીનને ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમણે કહ્યું કે, અમારે કોઈ પૈસા આપવાના નથી. તમારાથી થાય તે કરી લેજો, હવે પછીથી ફરિયાદ કરશો અને પૈસા માંગશો તો ટાંગા ભાંગી નાખીશ, તેવી ધમકી આપી હતી.

એક આઈપીએસ અધિકારીએ સમાધાન કરાવ્યા છતાંય પ્રિતેશે પૈસા અને સોનું આપવાનો ઈનકાર કરી દેતા નલીને ઘરે જઈને ચિટ્ઠી લખીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં નલીન સારવાર હેઠળ છે. પોલીસે સોનું કે પૈસા ન આપીને ધમકી આપતા ચાર લોકો સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

(9:01 pm IST)