Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

અમદાવાદમાં બાકી રહેલા ૫ વોર્ડના પ્રમુખો અને મહામંત્રીની નિમણુંકોઃ અમદાવાદ ભાજપ પ્રમુખ બદલાશે કે નહીં ? ભારે ચર્ચા

ગાંધીનગર: ભાજપ દ્વારા અમદાવાદ શહેરના બાકી રહેલાં 5 વોર્ડના પ્રમુખ/ મહામંત્રીની નિમણૂંકો આજે જાહેર કરવામાં આવી છે. અગાઉ શહેરના મોટાભાગના વોર્ડના પ્રમુખો તથા મહામંત્રીની નિમણૂંકો કરાઇ હતી. આમ શહેરના તમામ વોર્ડના હોદ્દેદારોની નિમણૂંકો કરી દેવાઇ છે. આ નિમણૂંકોની સાથે અમદાવાદ શહેરના પ્રમુખને બદલવામાં આવશે કે પછી તે જ યથાવત રહેશે તે મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

જો કે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી નજીક આવી હોવાની સાથોસાથ તેમની બીજી ટર્મ બાકી હોવાથી બદલાવાની શક્યતા પર પૂર્ણ વિરામ મૂકાઇ ગયુ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. હાલ ભાજપે ખાલી જગ્યાઓ પર નિમણૂંકો કરવાની કવાયત હાથ ધરતા જ ગાંધીનગર જિલ્લા પ્રમુખ તથા અમદાવાદ શહેર પ્રમુખ બન્નેએ ચર્ચા જગાવી છે.

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઇને ભાજપે પેજ કમિટી પ્રમુખથી માંડીને તમામ તૈયારીઓ કરવા લાગ્યા છે. પેજ કમિટીની નિમણૂંકોને લઇને જ બાકી રહેલાં વોર્ડ પ્રમુખોની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીને ધ્યાનમાં લઇને જ આજે ભાજપના અમદાવાદ શહેર અધ્યક્ષ જગદીશ પંચાલ તથા ઉપપ્રમુખ અને શહેર પ્રભારી આઇ.કે. જાડેજા સાથે સંકલન કરીને અમદાવાદ શહેરના છેલ્લાં ઘણાં સમયથી બાકી રહેલાં પાંચ વોર્ડના પ્રમુખ અને મહામંત્રીની નિમણૂંક કરવામાં આવી છે.

જેમાં શાહપુર વોર્ડમાં પ્રમુખ તરીકે મદનભાઇ વછેટા તથા મહામંત્રીઓ તરીકે મનહર દાતણીયા તથા કુલદીપ વાઘેલાની તથા મણિનગર વોર્ડના પ્રમુખ પદે કૈશલ પંડયા અને મહામંત્રીઓ તરીકે ઉત્પલ પટેલ અને રાકેશ શાહ તેમ જ બાપુનગરના વોર્ડ પ્રમુખ તરીકે તરૂણ બારોટ તથા મહામંત્રીઓ તરીકે સ્નેહલ પટેલ અને રાજેશભાઇ ખેંગાર અને સરસપુર વોર્ડના પ્રમુખ પદે મફત પટેલ તેમ જ મહામંત્રીઓ તરીકે સુરેશ પટણી અને રાજકુમાર શ્રીવાસ્તવ ઉપરાંત દરિયાપુર વોર્ડના પ્રમુખ તરીકે સંજય પારેખ અને મહામંત્રી તરીકે ભરત ભાવસાર તેમ જ નરેશ પવારની નિમણૂંકો કરી છે.

ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે દરેક હોદ્દા પર વ્યક્તિની 3 વર્ષ માટે નિમણૂંક કરવામાં આવે છે. આ વ્યક્તિને વધુ બીજી ટર્મ લંબાવવામાં આવે છે. વધુમાં વધુ એક જગ્યા પર વ્યક્તિને છ વર્ષ સુધી રાખવામાં આવે છે. આ બંને જગ્યા પરના વ્યક્તિની નિમણૂંક યથાવત રાખવામાં આવે છે કે પછી બદલવામાં આવશે તે જોવાનું રહે છે.

(4:49 pm IST)