Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

કોરોના કાળમાં પણ ગુજરાત ઍસીબી ટીમની લાંચની રકમ થકી આવક કરતા વધુ સંપત્તિ ભેગી કરનારા સામે રેકોર્ડ બ્રેક કામગીરીઃ ૧૯૮ કેસ નોîધાયાઃ આરોપીઓમાં ૩ ક્લાસ વન અધિકારીઓ

ગાંધીનગર: કોરોના મહામારીના કપરા કાળમાં લાંચિયા અધિકારીઓએ ના તો પોતાની પોતાની આદત છોડી અને એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા તેમના પર કરવામાં આવતી કાર્યવાહી અટકી. આજ કારણ છે કે, કોરોનાના કાળમાં પણ ગુજરાત ACBએ લાંચની રકમ થકી આવક કરતાં વધુ સંપત્તિ ભેગી કરનારા લોકો પર અત્યાર સુધીની રેકોર્ડ કાર્યવાહી કરી છે.

વર્ષ 2020ના એક વર્ષમાં આવકથી વધુ સંપત્તિના 38 કેસ નોંધાયા છે. જે ગત વર્ષ 2019ના 18 કેસોની સરખામણીએ ડબલ છે. જ્યારે 2020માં 38 આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કરીને 60 કરોડથી વધુ બેનામી સંપત્તિ ACBએ શોધી કાઢી છે.

આ જાણકારી વર્ષ 2020ના આખરી દિવસે ACB તરફથી આયોજિત પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી.

જેમાં જણાવાયું છે કે, 38 આરોપીઓમાં ક્લાસ વનના 3 અધિકારીઓ, ક્લાસ-2ના 11, ક્લાસ 3ના સૌથી વધુ 24 અધિકારીઓ પર આવક કરતાં વધુ સંપત્તિના કેસ દાખલ કરવામાં આવ્યાં છે.

6 વર્ષોમાં 105 લોકો પર કાર્યવાહી કરવામાં આવી

ACBના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 6 વર્ષોમાં આવકથી વધુ સંપત્તિ ઉભી કરનારા 106 સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 2015માં 8 કેસ, 2016માં 21, 2017માં 8, 2019માં 18 અને 2020માં 38 જણાં વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

લાંચ લેતા 307ની ધરપકડ

ACBએ વર્ષ 2020ના એક વર્ષમાં લાંચ લેવાના 198 કેસ દાખલ કરીને 307 આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલા આરોપીઓમાં સૌથી વધુ ક્લાસ-3ના 159 કર્મચારી છે. જે બાદ 97 જેટલા મધ્યસ્થીઓ ઝડપાયા છે. આ સિવાય ક્લાસ-2ના 41 અધિકારીઓ, ક્લાસ વનના 7 અને વર્ગ 4ના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

(4:49 pm IST)