Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

વિપુલ ચૌધરીને મોટો ફટકોઃ દુધસાગર ડેરીની ચુંટણીના પ્રચાર-પ્રસાર માટે વચગાળાના જામીન આપવાની માંગ ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટ તરફથી વિપુલ ચૌધરીને મોટો ફટકો મળ્યો છે. દૂધસાગર ડેરીની ચૂંટણીના પ્રચાર-પ્રસાર માટે વચગાળા જામીન આપવાની માંગ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે.

ગુજરાત હાઈકોર્ટમાં વિપુલ ચૌધરી તરફે દાખલ કરાયેલી રેગ્યુલર જામીન અરજીની સુનાવણીમાં તેમના વકીલે 5મી જાન્યુઆરીએ ચૂંટણી હોવાથી ત્યાં સુધીના વચગાળા જામીન આપવામાં આવે તેવી માંગ કરી હતી. જોકે કોર્ટ દ્વારા આ માંગને ફગાવી દેવામાં આવી છે. આ સિવાય રેગ્યુલર જામીન અરજી મુદ્દે સરકારને નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો છે.

વિપુલ ચૌધરી તરફે હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે, તેમનું ચૂંટણીમાંથી ડિસ્ક્વોલિફિકેશન થયું નથી. જેથી તેમને વચગાળા જામીન આપવામાં આવે. જોકે સરકારી વકીલ તરફથી દલીલ કરવામાં આવી હતી કે CID ક્રાઈમની તપાસ મહત્વપૂર્ણ તબક્કા પર છે અને અરજદાર વિપુલ ચૌધરી પ્રભાવશાળી વ્યક્તિ હોવાથી તે ચૂંટણીને અસર પાડી શકે છે.

ગુજરાત હાઈકોર્ટે 31મી ડિસેમ્બર 2020ના રોજ રાજ્ય સરકાર દ્વારા ઓડિટ રિપોર્ટના આધારે વિપુલ ચૌધરી સમર્થિત જોડિયા દૂધ ઉત્પાદક સંઘ મંડળીને ક-શ્રેણીમાં મુકવાના નિણર્ય પર સ્ટે આપ્યો હતો. જોકે હજી પણ વિપુલ ચૌધરીની કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. CID ક્રાઈમ દ્વારા બોનસ કૌભાંડમાં અન્ય આરોપીઓના અને લોકોના નિવેદન નોંધવાનું શરૂ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સીટી સિવિલ અને સેશન્સ કોર્ટ દ્વારા મહેસાણા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની મંજૂરી આપવામાં આવી હતી.મહેસાણા દૂધ ઉત્પાદક સંઘના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી હવે અશોક ચૌધરી સામે ઉમેદવારી નોંધાવી છે.

અમદાવાદ સેશન્સ કોર્ટે વિપુલ ચૌધરીના જામીન ફગાવી દેવાતા હવે જામીન મેળવવા માટે તેમણે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 2014માં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે વિપુલ ચૌધરી પર વિનામૂલ્યે સાગરદારણ મહારાષ્ટ્ર મોકલી કૌભાંડ આચરવાનો આક્ષેપ છે.આ સાથે કર્મચારીઓને બોનસ આપી નાણાંકીય ઉપાચતનો પણ આક્ષેપ છે. આ કેસમાં ફરિયાદ દાખલ થયા 6 વર્ષ પછી ગાંધીનગર CID ક્રાઈમ દ્વારા વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી.

(4:47 pm IST)