Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

આણંદના બોરસદમાં બે જુથ વચ્ચેની માથાકુટમાં અને અમદાવાદના ભુદરપુરામાં જુથ અથડામણમાં પથ્થરમારો

અમદાવાદ: ગુજરાતનો 2020 નો અંતિમ દિવસ લોહિયાળ રહ્યો હતો. રામોલમાં ફાયરિંગમાં એક યુવકની હત્યા બાદ પથ્થરમારાની બે ઘટનાઓ સામે આવી હતી. જેમાં આણંદ અને અમદાવાદમાં પથ્થરમારાની ઘટનાઓ સામે આવી હતી. ઘટના અંગે માહિતી મળતાની સાથે જ મજબુત પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં તો રાત્રી કર્ફ્યૂ હોવા છતા પણ પથ્થરમારાની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઇ હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.

આણંદના બોરસદમાં એક જ કોમનાં બે જુથો વચ્ચે માથાકુટ થતા પથ્થરમારો થયો હતો. રાજા મહોલ્લા અને મલેકવાડ નજીક બે ટોળા વચ્ચે કોઇ મુદ્દો વણસી જતા સામસામે પથ્થરમારો ચાલુ કરાયો હતો. બંન્ને જુથો વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. એક મહિના અગાઉ થયેલા ઝગડાની રીસ રાખીને એક યુવકને માર મારવામાં આવ્યા બાદ મામલો બિચક્યો હતો. બંન્ને જુથો વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારો ચાલુ થઇ ગયો હતો. ઘટના અંગે માહિતી મળતાની સાથે જ બોરસદ ટાઉન પોલીસ, રૂરલ પોલીસ અને ભાદરણ પોલીસનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો. સમગ્ર મુદ્દે પોલીસે પેટ્રોલિંગ કરીને ટોળાને વિખેર્યા હતા. સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયો હતો. હાલ સમગ્ર વિસ્તારમાં અજંપાભરી શાંતિ છે.

તો બીજી તરફ અમદાવાદનાં ભુદરપુરામાં પથ્થરમારાની ઘટના બની હતી. સ્થાનિક બે જુથો વચ્ચે જ પથ્થરમારો થયાનો મેસેજ આવતા પોલીસ દોડતી થઇ હતી. ઘટના સ્થળે મોટા પ્રમાણમાં પોલીસ પહોંચી હતી. તમામ ટોળાઓને વિખેરીને રાત્રી પેટ્રોલિંગ કર્યું હતું. એલિસબ્રિજ સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને સ્થિતીને થાળે પાડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, રાત્રી કર્ફ્યૂં હોવા છતા પણ પથ્થરમારો થતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

(4:47 pm IST)