Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

પાટણના સ્વપ્નવીલા રેસિડેન્સીમાં રહેતો પરિવાર વ્યાજખોરોના ત્રાસથી ઘર છોડીને જતો રહેતા ચકચારઃ ૧૧ વ્યાજખોરો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ

પાટણ: પાટણ શહેરના સ્વપ્ન વીલા રેસિડેન્સીમાં રહેતા વહેપારીને ધંધામાં રૂપિયાની જરૂર પડતા વ્યાજખોરો પાસેથી વ્યાજે રૂપિયા લાવ્યા બાદ વ્યાજખોર ઈસમોએ ઊંચું વ્યાજ વસુલવાનું શરુ કરતા વહેપારી રૂપિયા ભરી નહિ શકતા તેને ધાક ધમકી અને પરિવારને મારી નાખવાની ધમકી આપતા આ પરિવાર ઘર છોડી અજ્ઞાત સ્થળે જવા નીકળી જતા ભારે ચકચાર મચી જવા પામી હતી.

પાટણ શહેરમાં પશુ દવાઓના વ્યવસાય સાથે સંકળાયેલ વેપારીને ધંધા માં રૂપિયાની જરૂર પડતા તેને વ્યાજે રૂપિયા લીધા હતા. પરંતુ ત્યાર બાદ વ્યાજ ખોર ઈસમો એ ઊંચું વ્યાજ વસુલ કરવાનું શરૂ કરતાં વહેપારી તેટલું વ્યાજ ન ભરી શકતા છેવટે વ્યાજ ખોર ઈસમોએ ધાક ધમકી આપવાનું શરૂ કર્યું અને છેવટે પરિવારજનોને મારી નાખવાની ધમકી આપતા વહેપારી ગભરાઈ જઈ તેના પરિવાર સાથે અજ્ઞાત સ્થળે જવા નીકળી ગયો હતો. ત્યારે આ બાબતની જાણ તેના પિતાને થતા તેઓએ સઘળી માહિતી એકત્ર કરી પાટણ શહેર એ ડિવિઝન પોલીસ મથકે 11 વ્યાજ ખોર ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પઠાણી ઉઘરાણી કરતાં રૂપિયા નહિં ચુકવી શકતા શૈલેષભાઇ પટેલ તથા તેમની પત્નિ શોભનાબેન પટેલ અને તેમની બે દિકરીઓ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને અજ્ઞાત સ્થળે જવા ઘરેથી નીકળી ગયા હતા. શૈલેષભાઇની પત્નીને આ અંગે પૂછતાં તેમને જણાવ્યું હતું કે વ્યાજના રૂપિયા વસૂલવા વ્યાજખોરો ફોન પર અને રૂબરૂ ઘરે આવી ધાક ધમકી આપતા હતા અને રૂપિયા નહીં આપો તો મારી નાખવાની પણ ધમકી આપી હતી જે થી બે નાની દીકરીઓને લઈ અમે ઘર છોડી નીકળી ગયા હતા.

પરિવાર વ્યાજખોરોના ત્રાસથી ઘરે છોડી નીકળી જતા 6 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસ પણ આ પરિવાર ને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. ગત રાત્રે ધાનેરા - ડીસા રોડ પરથી આ પરિવાર મળી આવ્યો હતો. આ પરિવારને પોલીસ મથકે લાવી પૂછપરછ કરી તેમના ઘરે મોકલ્યા હતા. તો સાથે જે હેરાનગતિ હતી તે અંગે પરિવાર ની પૂછ પરછ પોલીસ કરી રહી છે. અંતે નવા કાયદા મુજબ પાસાની કાર્યવાહી કરવામાં આવશે. આ તપાસ દરમ્યાન 85 લાખ રૂપિયા શૈલેષભાઇ પટેલે લીધા હોવાનું માલુમ પડ્યું છે વધુ તપાસ પોલીસ કરી રહી છે.

(4:46 pm IST)