Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

ડેડીયાપાડા તાલુકાના 3 ગામોમાં 15 દિવસથી અંધારપટ રહેતા શિયાળાની ઠંડીમાં ચોરીના ભયથી ફફડતા લોકો

ડેડીયાપાડા તાલુકાના કણજી,વાંદરી અને માથાસર ગામમાં 15 દિવસ થી લાઈટો બંધ રહેતા ગ્રામજનોને મુશ્કેલી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના અંતરિયાળ એવા કણજી, વાંદરી અને માથાસર ગામમાં છેલ્લાં 15 દિવસથી વીજ પુરવઠો ખોરવાતા અંધારપટ છવાઈ જતા શિયાળા ની ઋતુમાં સ્થાનિકોને તસ્કરોનો ભય સતાવી રહ્યો છે. જોકે સ્થાનિકોને જણાવ્યા મુજબ લેખિત રજુઆત કરવા છતાં રેઢિયાળ વીજ કંપનીના વહીવટ ના કારણે હજુ સુધી આ માટે કોઈજ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વાંદરી ગામ એ સ્વ.અહેમદ પટેલે દત્તક લીધેલું ગામ છે જ્યાં તેમના દ્વારા ઘણી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે પરંતુ વીજ કંપનીના ખાડે ગયેલા વહીવટના કારણે હાલ આ તરફના ગામોમાં 15 દિવસથી લોકો અંધારા માં અનેક તકલીફો વચ્ચે જીવી રહ્યા છે.
 આ બાબતે ડેડીયાપાડા વીજ કંપનીના ઈજનેર કે.એમ.વસાવા સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે કબુલ્યું કે આ બાબત સાચી છે પરંતુ હાલ પંચાયત અને અન્યનું અન્ડરગ્રાઉન્ડ કેબલનું કામ ચાલતું હતું જેમાં વીજ કંપનીની અન્ડર ગ્રાઉન્ડ લાઈનોને નુકશાન થતા આ ક્ષતિ ઉભી થઇ છે પરંતુ એકાદ દિવસમાં વીજ પુરવઠો ચાલુ થઈ જશે.

(11:13 pm IST)