Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

રાજ્યમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં લોકડાઉનની મુદત એક મહિનો લંબાવાઈ : હવે 31 જાન્યુઆરી સુધી અમલ

કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં કેન્દ્ર સરકારની માર્ગદર્શક સુચનાઓ અનુસાર નિયત પ્રવુત્તિ ચાલુ રાખવા નિર્ણય

અમદાવાદ : રાજયમાં જાહેર કરવામાં આવેલ કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉનની અવધિ એક મહિનો લંબાવીને 31/1/2021 સુધી કરવામાં આવી છે. તથા કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં કેન્દ્ર સરકારની માર્ગદર્શક સુચનાઓ અનુસાર નિયત પ્રવુત્તિ ચાલુ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત લગ્ન/ સત્કાર સમારંભો જેવી ઉજવણીઓ તથા મુત્યુ પ્રસંગે વ્યક્તિઓની સંખ્યા સંબંધમાં ગૃહ વિભાગના 24/11/20ના હુક્મમાં બહાર પાડવામાં આવેલી એસ.ઓ.પી. માર્ગદર્શક સુચનાઓ તથા વ્યક્તિઓની સંખ્યાની મર્યાદા યથાવત રાખવામાં આવી છે. લગ્ન માટે ગૃહ વિભાગના 11/12/20ના ઠરાવમાં નિયત કરવામાં આવેલી પધ્ધતિ અનુસાર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

 

સમગ્ર દેશમાં કોવિડ 19ની અસરોને નિયંત્રિત કરવાના હેતુથી ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005થી મળેલી સત્તા અન્વયે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના હુક્મથી 25/3/2020થી 21 દિવસ સુધી આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારબાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના વખતો વખતના હુક્મથી અવધિ 31/12/20 સુધી લંબાવવામાં આવી હતી.

કેટલીક પ્રવૃત્તિઓ તબક્કાવાર શરૂ કરવામાં આવી છે. આ અવધિ લંબાવીને 31 જાન્યુઆરી 2021 સુધી લંબાવવામાં આવી છે. કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં માર્ગદર્શક સૂચનાઓ અનુસાર નિયત પ્રવુત્તિઓ ચાલુ રાખવા હુક્મ કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોવિડ 19 મહામારીના પગલે સમગ્ર દેશમાં લોકડાઉન બાદ તબક્કાવાર અનલોક કરવામાં આવ્યું હતું. તબક્કાવાર તમામ ધંધા રોજગારને છૂટછાટ આપવામાં આવી હતી. પરંતુ હજુ કન્ટેનમેન્ટ ઝોનમાં રહેલાં વિસ્તારો પરના તબક્કાવાર જાહેરનામા બહાર પાડીને નિયંત્રણો ચાલુ રાખવામાં આવ્યા છે. તે જ રીતે હજુ સુધી રાજયની શાળા/ કોલેજો શરૂ કરવામાં આવી નથી. તે જ રીતે લગ્ન/ સત્કાર સમારંભ તેમ જ મુત્યુ પ્રસંગે વ્યક્તિઓની સંખ્યા પણ મર્યાદિત રાખવાનો નિર્ણય યથાવત રાખવામાં આવ્યો છે.

(9:53 pm IST)