Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

ઉમરેઠ પોલીસે રાત્રીના સુમારે લાલપુરા ચેકપોસ્ટ નજીકથી સરકારી ઘઉંનો 2.37 લાખનો જથ્થો ઝડપ્યો

ઉમરેઠ:પોલીસે ગઈકાલે રાત્રીના સુમારે લાલપુરા ચેકપોષ્ટ પરથી સરકારી ઘંઉ સગેવગે કરતા એક આઈશર ટેમ્પાને ઝડપી પાડીને તેમાંથી ૨.૩૭ લાખની કિંમતના ૨૧૦ ઘંઉના કટ્ટા જપ્ત કરીને પકડાયેલા ડ્રાયવર વિરૂધ્ધ કાર્યવાહી હાથ ઘરી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે રાત્રીના સુમારે ઉમરેઠ પોલીસ લાલપુરા ચેકપોષ્ટ ઉપર વાહનો ચેક કરી રહી હતી ત્યારે એક આઈસર ટેમ્પો નંબર જીજે-૨૧, ટી-૭૧૨૪ આવી ચઢતાં પોલીસે તેને શંકાને આધારે અટકાવીને તલાશી લેતાં અંદરથી ઘંઉના ૨૧૦ કટ્ટા કે જેની કિંમત ૨.૩૭ લાખ રૂપિયા જેટલી થવા જાય છે તે મળી આવ્યો હતો. 

જે અંગે પકડાયેલા ડ્રાયવર સલીભાઈ સીકંદરભાઈ વ્હોરા (રે.આણંદ)ની પુછપરછ કરતાં ઘંઉના કટ્ટા ચીખોદરા આંખની હોસ્પીટલ પાસે આવેલી પરફેક્ટ ટ્રેડીંગ કાું. માંથી રજાકભાઈ સમતભાઈ મન્સુરીએ ભરીને દાહોદ જિલ્લાના જરોદ ખાતે શ્રીજી એગ્રો ઈન્ડસ્ટ્રીઝમાં લઈ જવામાં આવતા હતા. પોલીસે તપાસ કરતાં પકડાયેલો ઘંઉનો જથ્થો સસ્તા અનાજની દુકાનનો હોવાનું ખુલવા પામ્યું હતુ જેથી ઉમરેઠના મામલતદારને જાણ કરતાં તેણ આવી ચઢ્યા હતા અને કાર્યવાહી હાથ ઘરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર ગરીબોને રેશનકાર્ડ ઉપર આપવામાં આવતા સસ્તા ભાવના ઘંઉ કેટલીક સસ્તા અનાજની દુકાનેથી બારોબાર ઉઠાવી લઈને તેને કાળાબજારમાં વેચી મારવાનું એક મસમોટુ રેકેટ ચાલી રહ્યું છે. અગાઉ પણ પોલીસે સસ્તા દરના ચોખા ઝડપી પાડ્યા હતા. જો તંત્ર દ્વારા ઉંડાણપુર્વક તપાસ કરવામાં આવે તો ગરીબોને સરકારી દરે સસ્તા ભાવે મળતુ અનાજ સગવગે કરવાનું મોટુ કૌભાંડ બહાર આવે તેમ છે.

(5:23 pm IST)