ધંધા પાણી
News of Friday, 9th February 2018

કઠોળમાં મંદીઃ બમ્પર ઉત્પાદન અને જબરી આયાતના દબાણે ભાવમાં એકધારો ઘટાડો

કઠોળનું ૨૨૯ લાખ ટનનું ઉત્પાદન છતાં ૫૧ લાખ ટનની આયાત

રાજકોટ, તા.૯ : કઠોળના ભાવમાં કારમી મંદી જોવાઈ રહી છે. કેટલાય કઠોળના ભાવ લદ્યુતમ ટેકાના ભાવથી પણ નીચે ચાલી રહયો છે. સતત ઘટતા ભાવને કારણે ખેડૂતોની પરેશાની વધી છે. સરકારે કેટલાક નિયંત્રણ મુકયા છે. પરંતુ તેની કોઈ ખાસ અસર જોવાઈ નથી. કઠોળનું બમ્પર ઉત્પાદન થયું હોવા છતાં જબરી આયાતના બમણા બોજથી ભાવમાં દબાણ જોવાઈ રહ્યું છે.

સરકારી આંકડા મુજબ એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં કઠોળનું કુલ આયાત ૫૦.૮ લાખ ટન થઇ છે. જેનું મૂલ્ય ૧૭૨૮૦ કરોડ થાય છે. બીજીતરફ દેશમાં વર્ષ ૨૦૧૬-૧૭માં કઠોળનું ૨૨૯.૫ લાખ ટનનું વિક્રમી ઉત્પાદન થયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સરકારે અડદ, મગ સહિતની આયાત પર પ્રતિબંધ લગાવ્યો હતો. જોકે ચણા મટર અને મસૂરની આયાત પર પાબંદી નથી. ઊંચી આયાત ડ્યુટી છતાં કઠોળની જંગી આયાત થઇ રહી છે.

બીજીતરફ કઠોળના ઉત્પાદનમાં છેલ્લા બે વર્ષથી જબરો વધારો થઇ રહયો છે. વર્ષ ૨૦૧૪-૧૫માં કઠોળનું ઉત્પાદન ૧૭૧.૫ લાખ ટન ઉત્પાદન થયું હતું. જે વધીને ૨૨૯.૫ લાખ ટન થયું છે. વર્ષ ૨૦૧૬-૧૭માં ૬૬ લાખ ટન કઠોળની આયાત પણ થઇ હતી.

(9:54 am IST)