ધંધા પાણી
News of Friday, 9th March 2018

ફેબ્રુઆરીમાં સોનાની આયાત ૨૫ ટકા ઘટીને ૬૩ ટન થયાનું પ્રાથમિક તારણ

માર્ચ અને એપ્રિલમાં આયાત વધવાની ધારણા

રાજકોટ, તા.૯ : ૮ ફેબ્રુઆરીમાં સોનાની આયાતમાં ઘટાડો થયાનું અનુમાન વ્યકત થયું છે. એક અહેવાલ મુજબ ગયા વર્ષની તુલનાએ ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં સોનાની આયાત ૨૫ ટકા ઘટીને ૬૩ ટન થયાનો અંદાજ છે. જે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં સોનાની ૮૪ ટન આયાત થઇ હતી. જોકે જાન્યુઆરી કરતા ફેબ્રુઆરીમાં સોનાની આયાત વધી છે. જાન્યુઆરીમાં સોનાની આયાત ૧૪ ટકા ઘટીને ૪૧.૩ ટન થઇ હતી.

જાણકારોના માનવા મુજબ કમુરતા અને લગ્નગાળાની સીઝનના અભાવે સોનાની આયાતમાં ઘટાડો જોવાયો હતો. બીજીતરફ ઊંચા ભાવને કારણે પણ સોનાની આયાત રૃંધાઇ હતી. ફેબ્રુઆરીના મધ્યમાં સોનાનો ભાવ ૧૫ મહિનાની ટોચે જોવાયો હતો. જેના કારણે માંગ ઉપર વિપરીત અસર જોવાઈ હતી. જોકે હવે માર્ચ અને એપ્રિલમાં સોનાની આયાતમાં વધારો થશે. માર્ચમાં લગ્નગાળાની સીઝન અને એપ્રિલમાં અક્ષય તૃતીયાને કારણે માંગમાં વધારો થવાની ધારણા છે.

(10:05 am IST)