ધંધા પાણી
News of Tuesday, 5th June 2018

નિકાસ માંગના ટેકે જીરામાં લાંબાગાળે તેજીની શકયતા

સારા ઉત્પાદન અને ઉંચો સ્ટોક છત્તા વૈશ્વિક બજારમાં જીરૂનો ઝળહળાટ જળવાશે

રાજકોટ, તા.૫ : જીરૂમાં નિકાસ મંગના ટેકે લાંબાગાળે મજબૂતીની શકયતા હોવાનું જાણકારો માને છે. સારા ઉત્પાદન અને દેશમાં જીરાના ઊંચા સ્ટોક હોવા છતાં નિકાસને કારણે ભાવમાં મજબૂતી રહેશે.

વૈશ્વિક બજારમાં જીરાના ઉત્પાદનમાં ભારત ટોચના દેશોમાં સ્થાન ધરાવે છે. અન્ય હરીફોમાં સિરિયા અને તુર્કી છે. જે જૂનમાં બજારમાં પ્રવેશ કરશે. પરંતુ નિકાસકારોના માનવા મુજબ આ બંને દેશમાંથી જીરાનો જથ્થો એટલો મોટો નહીં હોય કે લાંબા ગાળે ભાવ પર અસર કરી શકે આવી સ્થિતિમાં ભારતીય જીરાનો ભાવ આગામી બે મહિનામાં ૧૭૨ પ્રતિ કિલોથી ઉપર જઈ શકે છે.

છેલ્લાં કેટલાંક વર્ષોથી ચીન જીરૂની ખરીદીમાં આગળ છે. તેના કારણે ભારતમાંથી નિકાસ થતા મસાલામાં જીરૂ બીજા ક્રમે છે. ભારતમાંથી સૌથી વધુ મરચાંની નિકાસ કરવામાં આવે છે. નિકાસની ગુણવત્તા અને વેલ્યૂમાં સ્થિર ગતિએ વધારો થઈ રહ્યો છે. વાણિજય વિભાગના આંકડા પ્રમાણે ફેબ્રુઆરીમાં પૂરા થતા ૧૧ મહિનામાં જીરાની નિકાસનું વોલ્યુમ વધીને ૧.૨૭ લાખ ટન થયું હતું. ૨૦૧૬-૧૭માં જીરાની નિકાસ ૧.૧૯ લાખ ટન થઈ હતી.

 

(10:10 am IST)