ધંધા પાણી
News of Tuesday, 5th June 2018

નૈઋત્વનું ચોમાસુ વહેલું છત્તા ખરીફ વાવણી ધીમી

ખેડૂત આંદોલનને કારણે વાવેતર કામગીરી ખોરંભે પડવાની ભીતિ

નવી દિલ્હી, તા.૫ : ચાલુ વર્ષે દેશમાં ચોમાસુ વહેલું શરૂ થયું છે. છત્તા ખરીફ વાવણી ધીમી જોવા મળે છે. ગયા વર્ષના આ સમયગાળાની તુલાનાએ ખરીફ વાવેતર વિસ્તાર હજુ ઓછું થયું છે. જાણકારોના માનવા મુજબ હાલમાં ચાલતા દેશભરમાં ખેડૂત આંદોલનને કારણે ખરીફ વાવણીની કામગીરી ખોરંભે પડવા વકી છે.

ગયા વર્ષે જૂનના પ્રારંભમાં ૭૭.૬૭ લાખ હેકટર વિસ્તારમાં વાવેતર થયું હતું. જે આ વર્ષે ૭૨.૬૧ લાખ હેકટર વિસ્તારમાં થયું છે. હરિયાણા તથા પંજાબમાં કપાસનું વાવેતર ઓછું થયું છે. ઉત્તર પ્રદેશ તથા મહારાષ્ટ્રમાં ખેડૂતોને શેરડીનો પાક લેવામાં ઉત્સાહ જોવાઈ છે. ખેડૂતો વધુ પાક લઈ રહ્યા હોવાથી આ વર્ષે પણ શેરડીનું ઉત્પાદન ઊંચુ આવવાની ધારણાં છે. કપાસનું વાવેતર ૯.૯૬ લાખ હેકટર વિસ્તાર સુધી સીમિત રહ્યું છે. જે ગયા વર્ષે  જુનના પ્રારંભ સુધીમાં ૧૨.૧૮ લાખ હેકટર વિસ્તાર રહ્યું હતું.

ડાંગરનું વાવેતર પણ નીચું રહ્યું છે. ગયા વર્ષના ૧ જુન સુધીમાં ૫.૨૦ લાખ હેકટર વિસ્તારની સામે આ વર્ષે ૨.૯૫ લાખ હેકટર વિસ્તાર પર ડાંગરનું વાવેતર પૂરૂ થયું છે. આ ઉપરાંત કઠોળ, તેલીબિયાં અને કડધાન્યની વાવણી પણ ગયા વર્ષના આ ગાળાની સરખામણીએ ઓછી રહી હોવાનું જોવા મળી રહ્યું છે.

(10:09 am IST)