Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

ઘઉંની સીઝન પુરી થવાની તૈયારીમાં: સરેરાશ ઘટતી આવકઃ ભાવ ઘટવાની શકયતા નહિવત

મિલબર આવકના કારણે ભાવ ટકેલા : લેવાલીના ટેકે સુધારાની ધારણા

રાજકોટ, તા.૨૪ : ઘઉં બજારમાં સીઝન પૂર્ણ થવાના આરે છે. ત્યારે આવકમાં પણ સરેરાશ ઘટાડો થવા લાગ્યો છે. રાજયમાં આગાઉની તુલનાએ ઘઉંની આવક ઘટતી જાય છે અને આગામી દિવસોમાં ભાવમાં સુધારાની ધારણા વ્યકત કરાઈ છે.

વેપારીઓના માનવા મુજબ રાજયમાં સરેરાશ આવક ઘટીને ૫૦ હજાર ગુણી થવાનો અંદાજ છે. જે આગાઉના સપ્તાહમાં ૮૦ હજારથી ૧ લાખ ગુણીની આવક થતી હતી. આમ બજારમાં ઘઉંની આવકમાં ઘટાડો થયો છે.

આગામી દિવસોમાં ઘઉંની આવકમાં વધુ ઘટાડો થવાનું મનાય છે. ઘઉંની આવક ઘટવાથી ભાવ મક્કમ છે. સારી અને સુપર કવોલિટીના આવક ઓછી થઇ છે અને માંગ સારી છે. બીજીતરફ મિલબરની આવક સારી હોવાથી ભાવ ટકેલા છે. આગળ જતા લેવાલી નીકળશે તો ભાવમાં સુધારાની ધારણા છે. (૨૪.૨)

(9:57 am IST)