Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

વૈશ્વિક સ્‍તરે ઘઉંનું ઉત્‍પાદન ૭૩૩૦ લાખ ટન થવાનો અંદાજ

ભારત-રશિયામાં ઉત્‍પાદન વધશેઃઓસ્‍ટ્રેલિયા-કેનેડામાં ઘટશેઃ વેશ્વિક માર્કેટમાં ભાવ એક માસમાં ૧૦ ટકા તૂટયા

રાજકોટ, તા.૧૮ : વેશ્વિક સ્‍તરે ઘઉંનું ઉત્‍પાદન વધીને ૭૩૩૦ લાખ ટન થવાનો અમેરિકી કૃષિ સંસ્‍થાએ અંદાજ મુક્‍યો છે. જેમાં ભારત ને રશિયામાં ઉત્‍પાદન વધવાની અને ઓસ્‍ટ્રેલિયા અને કેનેડામાં ઘઉંનું ઉત્‍પાદન ઘટવાની ધારણા વ્‍યક્‍ત કરાઇ છે. ઘઉંનું ઉત્‍પાદન વધવાના અંદાજે વૈશ્વિક બજારમાં ભાવ ઘટી રહ્યાં છે. છેલ્લા એક માસમાં ભાવ ૧૦ ટકા તૂટયા છે. જોકે સ્‍થાનિક બજારમાં ઘઉનાં ભાવ વધી રહ્યાં છે.

અમેરિકન કૃષિ સંસ્‍થાએ વૈશ્વિક ઘઉંના પાકનો અંદાજ વધાર્યો હોવાથી વૈશ્વિક બજારમાં ભાવ વધુ ઘટે તેવી સંભાવના છે.

અમેરિકન કૃષિ સંસ્‍થાએ વૈશ્વિક ઘઉનાં ઉત્‍પાદનનો અંદાજ ૪૭ લાખ ટન વધારીને ૭૩૩૦ લાખ ટનનો અંદાજ મૂક્‍યો છે. તેમજ ઓપનિંગ સ્‍ટોકમાં ૩૪ લાખ ટનનો વધારો કર્યો છે.

અમેરિકન કૃષિ સંસ્‍થાએ રશિયાનાં ઘઉનાં ઉત્‍પાદનનો અંદાજ ૩૦ લાખ ટન વધાર્યો છે. જયારે કઝાખિસ્‍તાનનું ઉત્‍પાદન ૫ લાખ ટન વધાર્યું છે.

આ ઉપરાંત ભારતમાં ઘઉનાં ઉત્‍પાદનનાં અંદાજમાં ૨૭ લાખ ટનનો વધારો કરીને ૯૯૭ લાખ ટનનો નવો અંદાજ મૂક્‍યો છે.

જયારે ઓસ્‍ટ્રેલિયામાં ૨૦ લાખ ટન અને કેનેડામાં ૧૦ લાખ ટનનો અંદાજ ઘટાડયો છે. આ બંને દેશોમાં સુકુ વાતાવરણ અને વરસાદની અછત હોવાથી ઘઉનાં ઉત્‍પાદનનમાં ઘટાડો કર્યો છે.

વૈશ્વિક બજારમાં ઘઉની નિકાસનો અંદાજ પણ ૨૫ ટન અને કેનેડાની ૫ લાખ ટનની નિકાસ ઘટે તેવો અંદાજ છે. વૈશ્વિક બજારમાં એન્‍ડિંગ સ્‍ટોક ૨૩ લાખટન વધારીને ૨૬૧૩ લાખ ટન રહેવાનો અંદાજ મૂક્‍યો છે, જોકે તે ગત વર્ષનાં વિક્રમી સ્‍ટોકના અંદાજ કરતાં પાંચ ટકા ઓછો છે.

(12:37 pm IST)