Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ડુંગળીના ભાવ તળિયેઃ ખેડૂતો અને વેપારીઓને નુકશાનીઃ હોલસેલમાં કિલોનો ૩ થી ૭ના ભાવ

ઓછો વરસાદ, નબળી કવોલિટી અને આવક વધતા ભાવ ગગડ્યા

રાજકોટ, તા.૧૯ : ગરીબોની કસ્તુરી મનાતી ડુંગળીના ભાવ ગગડી રહ્યાં છે. ગયા વર્ષની તુલનાએ ભાવ અડધાથી વધુ થઇ ગયા છે. ડુંગળીના ભાવ તળિયે સરકતા ખેડૂતોની સાથે વેપરીઓને પણ પડ્યા પર પાટુ સમાન થયું છે. હોલસેલમાં ડુંગળીના ભાવ ૬૦થી માંડીને ૧૪૦ રૂપિયા સુધી ઘટ્યા છે. એટલે કે કિલોના ૩ રૂપિયાથી લઈને ૭ રૂપિયા સુધી ભાવ બોલાઈ રહ્યાં છે.

ચોમાસામાં સામાન્ય રીતે ડુંગળીના ભાવને સપોર્ટ મળતો હોય છે. પરંતુ ઓછો વરસાદ અને બજારમાં નબળી કવોલિટીના કારણે ભાવમાં જબરૂ દબાણ સર્જાયું છે. જેના કારણે ખેડૂતો અને વેપારીઓને નુકશાનીનો વારો આવ્યો છે.

જોકે છૂટક બજારમાં ડુંગળીનો ભાવ ૧૦ થી ૧૫ રૂપિયે કિલોના થતા ગ્રાહકોને રાહત મળી છે. ડુંગળીની આવકોમાં વધારો થવાથી ભાવ ઘટયાનું મનાય છે. નાસિકના માલનો ભાવ સૌરાષ્ટ્ર કરતા થોડો ઉંચો છે.

રાજકોટના ડુંગળીના વેપારી પ્રફુલભાઇ રંગાણીના જણાવ્યા મુજબ હાલમાં ડુંગળીના ભાવ ઘણા ઘટયા છે. પ્રફુલભાઇ ભાવ ઘટવાના કારણે અંગે કહે છે કે ચાલુ વર્ષે ઓછો વરસાદ અને ડુંગળીની નબળી કવોલિટી બજારમાં આવતા ભાવ નીચા કવોટ થઇ રહ્યાં છે. બીજીતરફ આવક વધતા ભાવ ઘટયાનું મનાય છે. માલના દબાણે ભાવને અસર કરી છે.

પ્રફુલભાઈના જણાવ્યા મુજબ હાલમાં ડુંગળીના હોલસેલ ભાવ ૨૦ કિલોના ૬૦ થી ૧૪૦ રૂપિયા સુધી બોલાય છે. જે એક કિલોના ૩ થી ૭ રૂપિયા જેવા ગણાય છે વધુમાં જણાવ્યું હતું કે નાસિક તરફની ડુંગળીનો ભાવ ૯ થી ૧૨ રૂપિયા સુધી ચાલી રહયો છે.

હાલમાં બજારમાં માલનો સ્ટોક કાઢવા લાગયા હોય બજારમાં આવકો વધી છે. તેમાં નબળી કવોલિટીના કારણે ભાવ ગગડ્યા છે. (૨૪.૨)

(12:43 pm IST)