ફિલ્મ જગત
News of Friday, 31st August 2018

આજથી 'યમલા પગલા દિવાના ફીર સે' અને 'સ્ત્રી' રિલીઝ

જન્માષ્ટમીના તહેવાર પર દર્શકો માટે બે ફિલ્મો 'યમલા પગલા દિવાના ફીર સે' અને 'સ્ત્રી' રિલીઝ થઇ છે. જેમાં એક કોમેડી અને બીજી હોરર કોમેડી છે.

નિર્માતા કામાયની પુનિયા શર્મા, ગિન્ની ખનુજા, આરૂષી મલ્હોત્રા, ધવલ જયંતિલાલ ગઢા, અક્ષય જયંતિલાલ ગડા અને નિર્દેશક નવનિતસિંહની ફિલ્મ 'યમલા પગલા દિવાના ફીર સે'માં સંગીત સંજીવ-દર્શન, સચેત-પરંપરા, વિશાલ મિશ્રા અને ડી સોલ્જરનું છે. જ્યારે ધર્મેન્દ્ર, સની દેઓલ, બોબી દેઓલ, કૃતિ ખરબંદા, અસરાની, સતિષ કોૈશિક, રાજેશ શર્મા સહિતે મુખ્ય ભૂમિકા નિભાવી છે. ફિલ્મમાં સલમાન ખાન, સોનાક્ષી સિન્હા અને શત્રુઘ્ન સિન્હા મહેમાન કલાકાર તરીકે જોવા મળશે.

યમલા પગલા દિવાના સિરીઝની આ ત્રીજી ફિલ્મ છે. પહેલી ફિલ્મ ૨૦૧૧માં આવી હતી જે હિટ નિવડી હતી. બીજી ફિલ્મ ૨૦૧૩માં આવી હતી. જેને દર્શકોએ સ્વીકારી નહોતી. આમ છતાં હવે ત્રીજી ફિલ્મ બનાવાઇ છે. ત્રણેય ફિલ્મોને અલગ-અલગ નિર્દેશકોએ બનાવી હતી. પહેલી સમીર કર્ણિકે, બીજી સંગીત સિવને અને ત્રીજીમાં નિર્દેશક નવનિતસિંહ છે. નિર્માતા કહે છે કે આ ત્રીજી ફિલ્મને અગાઉની બે ફિલ્મો સાથે કંઇ લેવા દેવા નથી. તદ્દન નવી જ કહાની અને પાત્રો છે. આ વખતે ભરપુર કોમેડી ઉપરાંત એકશન અને ગરમ ધરમની મસ્તીનો ડોઝ પણ છે.

બીજી ફિલ્મ 'સ્ત્રી'ના નિર્માતા દિનેશ વિજન અને રાજ ડીકે છે. નિર્દેશન અમર કોૈશિકે કર્યુ છે. ફિલ્મમાં સંગીત સચીન સંઘવી અને જીગર સરૈયાનું છે. રાજકુમાર રાવ, શ્રધ્ધા કપૂર, પંકજ ત્રિપાઠી, અપારશકિત ખુરાના, અભિષેક બેનર્જીની મુખ્ય ભૂમિકા છે. ક્રિતી સેનને આઇટમ સોંગમાં જોવા મળશે. આ ફિલ્મના ટ્રેલરમાં એવું કહેવાયું હતું કે આ વર્ષે મર્દને દર્દ થશે. હોરર કોમેડી ફિલ્મના ટ્રેલરે ખુબ ઉત્સુકતા જગાવી હતી.

આ ફિલ્મની કહાની ચંદેરી નામના નાનકડા ગામની છે. જ્યાં અજીબ સ્ત્રીની ખુબ ચર્ચા છે. જે પુરૂષોને તેના નામથી બોલાવે છે. ગામમાંથી અચાનક એક પછી એક પુરૂષો ગાયબ થવાનું શરૂ થઇ જાય છે. તેના કપડા જ મળે છે. કોઇ જાણતું નથી કે આ શું થઇ રહ્યું છે? શા માટે થઇ રહ્યું છે? આ બાબતે બધાની પોતપોતાની કહાની છે. કોઇ કહે છે કે અજાણી સ્ત્રી જ આ બધુ કરી રહી છે. ગામમાં ડરનો માહોલ સર્જાઇ ગયો છે. ઘરની દિવાલો પર એવા લખાણ જોવા મળે છે કે એ સ્ત્રી, કાલે આવજે. ગભરાયેલા પુરૂષો રાતે ઘરમાંથી નીકળવાનું બંધ કરી દે છે. પુરૂષોને સ્ત્રીએ જ ગાયબ કર્યા છે? કોણ છે આ સ્ત્રી? આ જવાબ મળશે ફિલ્મમાંથી. સત્ય ઘટનાથી આ ફિલ્મ પ્રેરિત છે. 

(9:58 am IST)