પડકારો જ આગળ વધવામાં મદદ કરે છેઃ અયુબ ખાન
કોઇપણ પાત્રોની નકલ કરવાનું સરળ હોય છે. પરંતુ તેને નિભાવવું મુશ્કેલ હોય છે. ટીવી અને ફિલ્મી પરદે અનેક પ્રકારના રોલ નિભાવી ચુકેલા અભિનેતા અયુબ ખાનને હાલમાં રંજૂ કી બેટીયા શોમાં પિતાનો રોલ મળ્યો છે. તેણે આ રોલથી દર્શકોમાં પ્રસંશા મેળવી છે. અયુબ કહે છે કેટલીક ભુમિકાઓમાં પડકાર હોય છે. આવા પડકારોએ જ મને આગળ વધવાની મદદ પુરી પાડી છે. મને અનેક વખત આવા પડકારરૂપ રોલ ભજવવાની તકો મળી છે. અમુક પાત્રો શારીરિક રીતે પણ થકવી દેનારા હતાં, તો કેટલાક પાત્રોમાં મને માનસિક થાક લાગ્યો હતો. આવા સમયે તમારા માટે પાત્રમાં ઢળવું મુશ્કેલ બની જતું હોય છે. કારણ કે અસલી જિંદગીમાં તમે આવો અનુભવ કદી કર્યો હોતો નથી. રંજૂ કી બેટીયામાં હાલમાં જ એક દ્રશ્ય એવું હતું જેમાં મારા પાત્ર ગુડ્ડુ મિશ્રા પોતાની જાતને ખતમ કરવાનો નિર્ણય કરી લે છે. આ દ્રશ્ય શારીરિક રીતે પડકારજનક હતું. કારણ કે અમે તેનું શુટીંગ ભારે ગરમી વચ્ચે કર્યુ હતું. સાથો સાથ માનસિક રીતે પણ તેમાં થાક લાગ્યો હતો.