લંડન ઇન્ટરનેશનલ ફિલ્મસ ફેસ્ટિવલમાં પ્યોર હેવન આઇકન એવોર્ડથી સન્માનિત મનોજ બાજપાઈ
મુંબઈ: આગવા અભિનય દ્વારા પંકાયેલા અભિનેતા મનોજ બાજપેયીને લંડન ઇન્ટરનેશનલ ફિલ્મસ ફેસ્ટિવલમાં પ્યોર હેવન આઇકન એવોર્ડ દ્વારા બિરદાવાયો હોવાની જાણકારી મળી હતી. આ ફિલ્મ્સ ફેસ્ટિવલ ત્રણ દિવસનો હતો અને એમાં મનોજ બાજપેયી તથા રિચા ચડ્ડાને ચમકાવતી ફિલ્મ લવ સોનિયા પણ રજૂ થઇ હતી. હાજર રહેલા સૌ કોઇએ ફિલ્મને પણ બિરદાવી હતી. મનોજની અન્ય ફિલ્મ ગલી ગુલૈયાં ઇન ધ શેડોઝ પણ આ પ્રસંગે રજૂ થઇ હતી. મનોજે કહ્યું હતું કે અગાઉ મણી રત્નમ અને શેખર કપૂર જેવા આંતરરાષ્ટ્રીય ફિલ્મ સર્જકોને અપાયેલો આ એવોર્ડ મને મળ્યો એનું મને ગૌરવ છે. મનોજે કહ્યું કે એવોર્ડ તો ઠીક છે, પરંતુ વીસ વર્ષની મારી કારકિર્દીમાં મેં કરેલા વિવિધ રોલ્સની આ રીતે નોંધ લેવાઇ રહી છે એ મારા માટે વધુ ગૌરવની વાત છે. મારા અભિનયની નોંધ વૈશ્વિક ઓડિયન્સ દ્વારા લેવાઇ રહી છે એ મારા માટે વધુ આનંદની વાત છે. આ પ્રકારની કદર કલાકારને વધુ નમ્ર બનાવે છે.