ફિલ્મ જગત
News of Friday, 22nd February 2019

પાગલપન અને હસીમજાકનો ભરપૂર ડોઝ આજથી 'ટોટલ ધમાલ' રિલીઝ

અજય દેવગણ ફિલ્મ્સ, ફોકસ સ્ટાર સ્ટુડિયોઝ, મારૂતિ ઇન્ટરનેશનલ, શ્રી અધિકારી બ્રધર્સ બેનર અને નિર્માતા અશોક ઠાકેરીયા, ઇન્દ્ર કુમાર, અજય દેવગણ તથા શ્રી અધિકારી બ્રધર્સ અને નિર્દેશક ઇન્દ્ર કુમારની ફિલ્મ 'ટોટલ ધમાલ' આજથી રિલીઝ થઇ છે. ફિલ્મમાં સંગીત ગોૈરવ-રોશીન અને સંદીપ શિરોડકરનું છે. ૧૨૭ મિનીટની આ ફિલ્મમાં અજય દેવગણ, અનિલ કપૂર, માધુરી દિક્ષીત, અરશદ વારસી, રિતેશ દેશમુખ,બોમન ઇરાની, સંજય મિશ્રા, અલી અસગર, મહેશ માંજરેકર, પિતોબાશ ત્રિપાઠી, સુદેશ લહેરી, નિહારીકા રાઇજાદા, સ્વાતિ કપૂર, વિજય પાટકર, રાજપાલ યાદવ, જોની લિવર, ક્રિસ્ટલ ધ મન્કીની મુખ્ય ભૂમિકા છે. સંજય દત્ત પણ એક ખાસ દ્રશ્યમાં જોવા મળશે. આ ઉપરાંત સોનાક્ષી સિન્હા  અને એશા ગુપ્તા આઇટમ સોંગમાં જોઇ શકાશે.

આ સિરીઝની પહેલી ફિલ્મોની જેમ જ ટોટલ ધમાલમાં પાગલપન અને હસીમજાકથી ભરપૂર છે. આ વખતે પણ કહાની એક એવા એડવેન્ચર આસપાસ છે જે પૈસાની આસપાસ ઘુમે છે. ગુડ્ડુ (અજય દેવગણ) એક નાનો-મોટો ચોર છે. તેના સાથીદાર પિન્ટૂ (મનોજ પાહવા)ના હાથમાં ખુબ મોટી લૂંટનો માલ આવી જાય છે. પણ તે ગુડ્ડુ અને બીજા સાથીદાર જોની (સંજય મિશ્રા)ને દગો આપી માલ એકલો લઇ ભાગી જાય છે અને કયાંક છુપાવી દે છે.   એ પછી ગુડ્ડુ અને જોની સાથે મળી પિન્ટૂને શોધી કાઢે છે. એ વચ્ચે પિન્ટૂ લૂંટના માલ બાબતે બીજા ત્રણ ગ્રુપને પણ જાણકારી આપી દે છે. જેમાં એક ગ્રુપ અવિનાશ પટેલ (અનિલ કપૂર) અને બિન્દૂ (માધુરી દિક્ષીત નેને)નું છે. આ એવી જોડી  છે જે છુટાછેડાના કિનારે ઉભી હોય છે.

બીજુ ગ્રુપ લલ્લન (રિતેશ દેશમુખ) અને ઝિંગુર (પિતોબાશ ત્રિપાઠી)નું છે. આ બંને ફાયર બ્રિગેડમાં કામ કરે છે અને સાથે અપરાધી પણ છે. ત્રીજુ ગ્રુપ અજીબ ભાઇઓ આદિત્ય (અરશદ વારસી) અને માનવ (જાવેદ જાફરી)નું છે. બધાને લૂંટના માલની ખબર છે અને તે મેળવવા માટે નીકળી પડે છે. ગુડ્ડુ બધાને એવુ કહે છે કે માલ હાથમાં આવે તેમાંથી બધા ભાગ પાડી લેશે. પણ બધા ના પાડી દે છે અને પોતપોતાની રીતે માલ શોધી જેને મળે તે બધો માલ રાખી લેશે તેવી વાત કરે છે. અનેક ઉતાર-ચઢાવ અને ઘૂમાવ પછી બધા નિયત સ્થાને પહોંચે છે. પણ અહિ પહોંચ્યા પછી આ માલ છુપાવાયો છે કયાં? તેની કોઇને ખબર પડતી નથી. અંતે શું થાય છે તે જાણવા ફિલ્મ જોવી પડશે. ફિલ્મના ટ્રેલર અને ગીતોએ ધમાલ મચાવી છે. આ ફિલ્મ પાકિસ્તાનમાં રિલીઝ નહિ કરવાનો પણ નિર્ણય લેવાઇ ગયો છે.

 

(9:42 am IST)