ફિલ્મ જગત
News of Thursday, 28th June 2018

તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીની રીમેકમાં શાહિદ કપુર રોમાન્સ કરશે 22 વર્ષની તારા સુતારીયા સાથે

મુંબઈ: બોલીવુડ અભિનેતા શાહિદ કપુરે પોતાનાથી ૧૫ વર્ષ નાની મીરા રાજપુત સાથે લગ્ન કર્યા બાદ હવે તે બોલીવુડ પડદે પોતાનાથી ૧૫ વર્ષ નાની અભિનેત્રી સાથે રોમાન્સ કરતો નજરે પડશે. 
વર્ષ ૨૦૧૭માં આવેલ સુપરહિટ તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીની રીમેકમાં શાહિદ કપુર સાથે ૨૨ વર્ષીય તારા સુતારીયા લીડ એક્ટ્રેસના પાત્રમાં નજરે પડશે. સ્ટુડન્ટ ઓફ યર-૨થી પોતાની બોલીવુડ કારકિર્દીની શરુઆત કરવા જઈ રહેલ તારા માટે એક મોટી તક છે, કારણકે ડેબ્યુ પહેલા તેને બીજી ફિલ્મ મળી ગઈ છે. આપને જણાવી દઈએ કે, તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીમાં વિજય દેવરકોંડા મુખ્ય પાત્રમાં નજરે પડયો હતો. 
ફિલ્મમાં પોતાના અભિનય બદલ તેને ચાલુ વર્ષે ફિલ્મફેર એવોર્ડ પણ એનાયત કરાયો હતો. ત્યારે હવે ફિલ્મની હિન્દી રીમેકમાં તેનુ પાત્ર શાહિદ કપુર ભજવા જઈ રહ્યો છે. તેમજ તારા અર્જુન રેડ્ડીની મહિલા અભિનેત્રી શાલિની પાંડેના પાત્રમાં નજરે પડશે. મહત્વનુ છે કે, ફિલ્મની વાર્તા ઉત્તર ભારતના દર્શકોને ધ્યાનમાં રાખી તૈયાર કરાશે. ફિલ્મની લીડિંગ લેડીનુ પાત્ર એક માસૂમ મહિલાનુ છે, જે માટે મેકર્સે સારા અલી ખાન, જ્હાન્વી કપુરના નામ અંગે પણ વિચાર કર્યો હતો. જોકે આખરે તેમણે તારા સુતારીયાને લેવાનુ ફાઈનલ કર્યુ.

(4:29 pm IST)