ફિલ્મ જગત
News of Friday, 27th November 2020

બોલિવૂડમાં અભિનેતા સલમાન ખાને રાધેને ઓટીટી પર રજૂ કરવાની ઓફર ઠુકરાવી

થિયેટરોના હિતમાં સ્ટાર અભિનેતાનો નિર્ણય : કોરોનાના નાજુક સમયમાં બોલિવૂડ ટકવા ઝઝૂમી રહ્યું છે ત્યારે અનેક ફિલ્મમેકર્સ ઓટીટી પ્લેટફોર્મ તરફ વળ્યા છે

મુંબઈ, તા. ૨૭ : બોલિવૂડમાં અભિનેતા સલમાન ખાનને દિલદાર વ્યક્તિ માનવામાં આવે છે. ઉપરાંત સલમાન ક્યારે શું કરે તે કહેવું પણ મુશ્કેલ હોય છે. સલમાનની ફિલ્મો ટંકશાળ પાડતી હોય છે. પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે સલમાન ખાને ૨૫૦ કરોડની ઓફર ઠુકરાવી દીધી હતી.

કોરોના મહામારીના કારણે અનેક ફિલ્મની રિલીઝ અટકી પડી છે. જેનો વચલો રસ્તો કાઢી ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મો રિલીઝ કરવામાં આવી રહી છે. બોલિવૂડના તમામ પ્રોડ્યુસર ઓટીટી પ્લેટફોર્મનો સહારો લઈ રહ્યા છે. તો બીજી તરફ થિયેટરના માલિકો આંસુ વહાવી રહ્યા છે. પણ તેમને સાંત્વના આપનારું કોઈ નથી.

કેમ કે, સિંગલ સ્ક્રીનના માલિકોને સૌથી વધારે કમાણી સલમાન ખાનની ફિલ્મોથી થતી હોય છે. માટે રાધે ફિલ્મની સૌથી વધુ તો લોકો રાહ જોઈ રહ્યા છે. રાધે ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરાશે તેવી અટકળે ધમાલ મચાવી દીધી હતી. માટે સલમાન ખાનને ૨૫૦ કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. એવી જંગી ઓફર છે જેનાથી કોઇ પણ વિચલીત થઈ જાય.

જોકે સલમાન ખાને એક મિનિટમાં ઓફર નકારી કાઢી અને તેને ફગાવીને કહી દીધું કે રાધે ફિલ્મ માત્ર સિનેમાઘરમાં રિલીઝ કરાશે. ડાયરેક્ટર પ્રભુદેવા પણ સલમાનખાન સાથે સહમત છે.

(9:06 pm IST)