ફિલ્મ જગત
News of Tuesday, 27th November 2018

કરણી સેનાએ હજુ માફ નથી કર્યો કિંગ ખાનને

મુંબઇ : ઓરિસાની કલિંગ સેનાએ કહ્યું હતું કે અમે શાહરુખ ખાનને હજુ માફ કર્યો નથી પરંતુ ઓરિસા રાજ્ય સરકાર અને પોલીસ તંત્રની અપીલને માન આપીને અમે એને અહીં આવવા દેવાના છીએ.ઓરિસામાં પહેલીવાર હૉકી વર્લ્ડ કપ સ્પર્ધા યોજાઇ રહી છે જેને માટે ઓસ્કાર વિજેતા સંગીતકાર આર રહેમાને ખાસ હૉકીનું રાષ્ટ્રગીત તૈયાર કર્યું છે અને સ્પર્ધાના ઉદ્ઘાટન ટાણે રહેમાન અને શાહરુખ બંને મંચ પર સાથે આવવાના છે.વાત થોડી જૂની છે. ૨૦૦૧માં આવેલી શાહરુખ ખાનની ફિલ્મ અશોકામાં ઓરિસાનું અપમાન કરાયું હતું એવો આક્ષેપ કલિંગ સેનાએ કર્યો હતો અને શાહરુખ જ્યારે પણ ઓરિસાની મુલાકાતે આવે ત્યારે એના પર કાળી શાહી ફેંકવાની ખુલ્લી ધમકી આપી હતી. જો કે હૉકી ઇન્ડિયા, ઓરિસા રાજ્ય સરકાર અને પોલીસ તંત્રે કલિંગ સેનાને કાયદો અને વ્યવસ્થા ડહોળાય એવું કશું નહીં કરવાની અપીલ કરી હતી. કલિંગ સેનાના પ્રમુખ હેમંત રથે કહ્યું હતું કે ઓરિસામાં વિશ્વકક્ષાની સ્પર્ધા યોજાય અમારા માટે ગૌરવની વાત છે. અમે બધાંની અપીલ સ્વીકારીને શાહરુખને ઇવેન્ટ પર અહીં આવવા દેવાનું સ્વીકાર્યું છે અને એના પર કાળી શાહી ફેંકવાની ધમકીનો ઇવેન્ટ પૂરતો અમલ મોકૂફ રાખ્યો છે. આર રહેમાને ઇવેન્ટ પર શાહરુખ ખાન સાથે હાજર રહેવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.

(4:58 pm IST)