ફિલ્મ જગત
News of Friday, 27th September 2019

કાળિયાર શિકાર કેસમાં સલમાન ખાન કોર્ટમાં હાજર ન થાય તો જામીન રદ્દ કરવાની શક્યતા

નવી દિલ્હી : જોધપુર જિલ્લાની સત્ર કોર્ટે બે દાયકા પહેલા રાજસ્થાનના એક ગામમાં બે કાળિયારનો શિકાર કરવાના મામલામાં બોલિવુડ એક્ટર સલમાન ખાનને શુક્રવારે હાજર થવાનો આદેશ આપ્યો છે. એક્ટરના વકીલને કથિત રીતે શુક્રવારે કોર્ટમાં તેમની હાજરી નક્કી કરવાનું કહેવાયું છે. નહિ તો સલમાન ખાનની જામીન રદ કરવાની શક્યતા છે.

જામીન પર છે સલમાન

સલમાન ખાનના વકીલ મહેશ બોરાએ પુષ્ટિ કરી છે કે, સલમાન આજે જોધપુર નહિ આવે. તેથી પરિવારના સદસ્ય અદાલતની સુનવણી દરમિયાન હાજર થઈ શકે છે. કાળા હરણના શિકારના મામલામાં બોલિવુડ સુપરસ્ટારને પાંચ વર્ષની સજા સંભળાવાઈ હતી. પરંતુ હાલ તેઓ જામીન પર છે. આ મહિને પ્રદેશ સરકારે રાજસ્થાન હાઈકોર્ટમાં આ મામલામાં બોલિવુડ કલાકાર સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે અને નીલમ કોઠારીને નિર્દોષ સાબિત કરવાના આદેશને ચેલેન્જ આપી છે.

વર્ષ 1998નો કેસ

વર્ષ 1998માં ફિલ્મ હમ સાથ સાથ હૈના શુટિંગ દરમિયાન આ કલાકારો પર પણ સલમાન ખાનની સાથે કાળા હરણનો શિકાર કરવાનો આરોપ છે. ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનને સોશિયલ મીડિયા પર મોતની ધમકી આપવામાં આવી છે. સલમાન ખાનના આ ધમકી ફેસબુક પર સોપુ નામના ગ્રૂપ પર આપવામાં આવી છે. આ ધમકી ગૈરી શુટર નામના આઈડી પરથી આપવામાં આવી હતી. આ ધમકીનો સ્ક્રીન શોટ હવે સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર જોવા મળી રહ્યો છે.

(5:22 pm IST)