ફિલ્મ જગત
News of Saturday, 26th May 2018

ફિલ્મ અભિનેતા ઇરફાન ખાન એકદમ સ્‍વસ્‍થઃ ટૂંક સમયમાં ઉધમસિંહના બાયોપિક ફિલ્મથી બોલિવુડમાં પરત ફરશે

મુંબઇઃ ફિલ્મ અભિનેતા ઇરફાન ખાનની તબિયત બગડ્યા બાદ હવે ટૂંક સમયમાં તે બોલિવુડમાં પરત ફરશે અને તે નવી ફિલ્‍મમાં જોવા મળશે.

બોલિવુડના ડાયરેક્ટર શૂજિત સરકારે આ વાતની જાણકારી આપી છે. શૂજિતે જણાવ્યું કે, ઈરફાન જલ્દી જ તેમના ડ્રીમ પ્રોજેક્ટથી બોલિવુડમાં પાછો ફરશે.

શૂજિત સરકારે એક ઈંટરવ્યૂમાં પુષ્ટિ કરી કે તેમની આવનારી બાયોપિકમાં ઈરફાન ખાન લીડ રોલમાં જોવા મળશે. આ પહેલા ઈરફાન શૂજિતને શાનદાર ફિલ્મ પીકૂમાં જોવા મળ્યો હતો. હવે એક્ટર ક્રાંતિકારી ઉધમ સિંહની બાયોપિકમાં જોવા મળશે. ઉધમ સિંહનું નામ ભારતની આઝાદીની લડાઈમાં પંજાબના ક્રાંતિકારીના રૂપે લખાયેલું છે. ઉધમ સિંહે જલિયાંવાલા બાગ કાંડ વખતે પંજાબના ગર્વનર રહેલા માઈકલ ડ્વાયરને ગોળી મારી હતી.

આ ફિલ્મને શૂજિત સરકારનો સૌથી મોટો ડ્રીમ પ્રોજેક્ટ માનવામાં આવે છે. શૂજિતે એક ઈંટરવ્યૂમાં જણાવ્યું હતું કે, “હું આ ફિલ્મની વાર્તા પર છેલ્લા 18-19 વર્ષથી કામ કરું છું. હું જ્યારથી મુંબઈ શિફ્ટ થયો ત્યારથી આ ફિલ્મ બનાવવા માગતો હતો. પરંતુ વચ્ચે કંઈક ને કંઈક ચાલતું હોવાથી બનાવી ન શક્યો. આ ફિલ્મ આઝાદી પહેલાના બેકડ્રોપ પર આધારિત છે. માટે જ પ્લાનિંગ થોડું મુશ્કેલ રહ્યું.

ઉધમ સિંહ પર બનનારી બાયોપિક અંગે શૂજિત સરકારે એમ પણ કહ્યું કે, ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં શરૂ થઈ શકે છે. જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી એ ખબરો આવતી હતી કે શૂજિત સરકારની આ બાયોપિકમાં રણબીર કપૂરને કાસ્ટ કરાયો છે. પરંતુ એપ્રિલમાં શૂજિતે ફિલ્મ ઓક્ટોબરના પ્રમોશન દરમિયાન જ આ અફવાને રદિયો આપ્યો હતો.

(6:24 pm IST)