ફિલ્મ જગત
News of Monday, 25th October 2021

‘યે રિશ્‍તા ક્‍યા કહેલાતા હૈ' સિરીયલને બાય બાય કહી દેનાર અભિનેતા મોહસીન ખાનનો જન્‍મ ગુજરાતના નડિયાદમાં થયો હતોઃ ટીવી જાહેરાતો સાથે ટેલિવિઝન ક્ષેત્રે ઝંપલાવ્‍યુ હતુ

પહેલી જાહેરાત માટે મોહનસીનને 10 હજાર મળ્‍યા હતા

મુંબઇઃ ટીવી અભિનેતા મોહસિન ખાન હાલ ખુબ ચર્ચામાં છે. ટીવી શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'ને તેણે બાય બાય કરી દીધુ છે. મોહસિન ખાન છેલ્લા સાત વર્ષથી આ શોનો ભાગ રહ્યો હતો. ઘરે ઘરે તેને લોકપ્રિયતા મળી હતી. પણ તમને ખબર છે કે આ લોકપ્રિય અભિનેતાનું ગુજરાત કનેક્શન શું છે?

મોહસિન ગુજરાતના નડિયાદમાં પેદા થયો હતો. તેના નામ પાછળ એક મજેદાર કિસ્સો પણ છે. બહુ ઓછા લોકોને એ વાત ખબર હશે કે 26 ઓક્ટોબર 1991ના રોજ જન્મેલા મોહસિનનું પહેલા નામ વસીમ હતું. ખાન પરિવારે પુત્રનું નામ વસીમ પાડ્યું હતું પરંતુ બાદમાં પિતાએ તેનું નામ બદલીને મોહસિન કરી નાખ્યું હતું.

મોહસિનના પિતાનું નામ અબ્દુલ વહીદ ખાન છે. પરિવારમાં માતા મેહઝબીન ખાન, બહેન ઝેબા અહેમદ અને ભાઈ સજ્જાદ ખાન છે. મોહસિને સ્કૂલિંગ મુંબઈમાં કર્યું અને ત્યારબાદ મીઠીબાઈ કોલેજથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હતી. કોલેજના દિવસોમાં મોહસિને ટીવી જાહેરાતો માટે કામ કરવાનું શરૂ કર્યું હતું. તે શોઝમાં નાના મોટા રોલ પણ કરતો હતો.

પહેલી કમાણી તરીકે મોહસિનને 18 વર્ષની ઉમરે એક ટાયર કંપનીની જાહેરાત માટે કામ કર્યું હતું અને 10 હજાર રૂપિયા મળ્યા હતા. મોહસિને કોયલાંચલ શોમાં આસિસ્ટન્ટ ડાઈરેક્ટર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી. ટીવી શો 'નિશા ઓર ઉસકી કઝિન્સ'થી તે જાણીતો બન્યો. પરંતુ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'થી તેને સ્ટારડમ મળ્યું. વર્ષ 2020ના 'ધ ટાઈમ્સ 20 મોસ્ટ ડિઝાયરેબલ મેન ઓન ટીવી'ની યાદીમાં મોહસિન 5માં નંબરે હતો.

(4:26 pm IST)