મોનલને ખુબ ભાવે છે ખિચડી
ગુજરાતી અભિનેત્રી મોનલ ગજ્જર તાજેતરમાં ઓટીટી પ્લેટફોર્મ પર આવેલી ફિલ્મ કાગજમાં પંકજ કપૂરની પત્નિના રોલમાં જોવા મળી હતી. એકદમ સીધા સાદા તેના લૂકને ચાહકોએ પસંદ કર્યો હતો. મોનલ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ કામ કરીને જાણીતી બની છે. છેલ્લે તે બિગ બોસની તેલુગુ સિઝનમાં સતત નેવુ દિવસ ઘરમાં રહી હતી. હાલમાં તે તેલુગુ ડાન્સ પ્લસની ચોથી સિઝનમાં નિર્ણાયક તરીકે કામ કરી રહી છે. મોનલે રેવા, થઇ જશે અને આવ તારું કરી નાંખું જેવી ગુજરાતી ફિલ્મો કરી છે. મોનલે તાજેતરમાં કહ્યું હતું કે તેને ખીચડી અને તેમાં પણ વઘારેલી ખીચડી ખુબ જ ભાવે છે. તે બહાર હોય અને ઘરમાં આવે તો પહેલુ કામ ખીચડી ખાવાનું કરે છે. મોનલને ભાખરી પણ ખુબ ભાવે છે. એવું એકપણ શાક નહિ હોય જે તેને ભાવતું નહિ હોય. બગ બોસના ઘરમાં તે હતી ત્યારે રોજ દોઢસો રોટલી બનાવતી હતી. મોનલનો પરિવાર મુળ જસદણનો વતની છે, પણ તેનો ઉછેર અમદાવાદમાં જ થયો છે. તે માતા પાસેથી તમામ રસોઇ બનાવતા શીખી છે.