ફિલ્મ જગત
News of Tuesday, 24th November 2020

ધાર્મિક લાગણી દુભવવા બદલ નેટફિલકસના અધિકારીઓ સામે કેસ

વેબસીરિઝ સ્યુટેબલ બોયમાં મંદિરમાં ફિલ્માયેલા કિસિંગ સીન સામે વિરોધ ઉઠયો

ભોપાલ, તા.૨૪:  ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિકસમાં રીલિઝ થયેલી સ્યૂટેબલ બોય વેબસીરિઝના બે અધિકારીઓ સામે કેસ દાખલ થયો છે. મધ્યપ્રદેશમાં ભારતીય જનતા યુવા મોર્ચાએ આ પ્લેટફોર્મ સામે ધાર્મિક લાગણી દુભાઈ હોવાની ફરિયાદ કરી હતી.

નેટફ્લિકસના અધિકારીઓ - મોનિકા શેરગીલ અને અંબિકા ખુરાના સામે રેવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. વેબસીરિઝ સ્યુટેબલ બોયમાં મંદિરમાં ફિલ્માયેલા કિસિંગ સીન સામે વિરોધ ઉઠયો છે.

ભારતીય જનતા યુવા મોર્ચાએ નેટફ્લિકસના બે અધિકારીઓ સામે કેસ દાખલ કર્યો છે. મધ્યપ્રદેશ સરકારે આ અંગે તપાસના આદેશ આપ્યા છે. અરજીમાં દાવો કરાયો હતો કે વેબસીરિઝમાં હિન્દુ ધર્મની લાગણી દુભાય એવા પ્રયાસો થયા છે અને લવ-જેહાદને ઉત્તેજન મળે એવા પણ પ્રયાસો થયા છે. વેબસીરિઝ સામે આરોપ લાગ્યો છે કે અશ્લિલ દૃશ્યો દર્શાવતી વખતે ધૂન અને ભજનનો અવાજ આવે છે. આ ગતિવિધિ ચાલી તેના કારણે ટ્વિટરમાં પણ નેટફ્લિકસ અને સ્યુટેબલ બોયનો ટ્રેન્ડ બન્યો હતો.

મધ્યપ્રદેશ સરકારના ગૃહ મંત્રી નરોત્ત્।મ મિશ્રાએ કહ્યું હતું કે મંદિરમાં આવા સીન ફિલ્માવાયા છે તે યોગ્ય નથી. આ દિશામાં તપાસ થશે. સ્યુટેબલ ફિલ્મમાં કશું જ સ્યુટેબલ નથી. મંદિરમાં આપત્તિજનક દૃશ્યો ચલાવી શકાય નહીં. ગૃહ મંત્રીએ તાકીદની અસરથી અધિકારીઓની બેઠક પણ બોલાવી હતી.

(10:06 am IST)