વકિલના રોલમાં આવી રહી છે શ્વેતા
મકડી ફિલ્મમાં બાળ કલાકાર તરીકે અભિનય કારકિર્દી શરૂ કરનારી જમશેદપુરની શ્વેતા બાસુ પ્રસાદે કારકિર્દીમાં અનેક ઉતાર-ચઢાવ જોયા છે. એક સ્કેન્ડલને કારણે પણ તેને ઘણું ભોગવવું પડ્યું હતું. પરંતુ હવે તે ફરીથી અભિનયના ફિલ્ડમાં આગળ વધી ચુકી છે અને સતત નવા પ્રોજેકટ તેના હાથ પર છે. તેણે હિન્દી ઉપરાંત તમિલ તેલુગુ ફિલ્મો પણ કરી છે. ટીવી પરદે વર્ષ ૨૦૦૨માં કહાની ઘર ઘર કીમાં શ્રુતિનો રોલ નિભાવી જાણીતી બની હતી. એ પછી કરિશ્મા કા કરિશ્મા, સુપર-૨, ચંદ્રનંદીની સહિતના શો કર્યા હતાં. વર્ષ ૨૦૧૮માં ગેંગસ્ટર્સ નામની વેબ સિરીઝમાં ઐશ્વર્યાનો રોલ નિભાવ્યો હતો. હાલમાં તે અલગ-અલગ વેબ સિરીઝ કરી રહી છે. જેમાં હવે તે વકિલ રેખાના પાત્રમાં જોવા મળવાની છે. ડોકટર ડોન નામની સિરીઝમાં તેને આ રોલ મળ્યો છે. આ એક સત્ય ઘટના પર આધારીત સિરીઝ છે. ડોકટર ડોન ૧૯૯૫ થી ૨૦૦૦ સુધીના આઇઆઇટી, એમબીબીએસ, આઇએએસ, આઇપીએસની એન્ટ્રન્સ એકઝામના પેપર લીક કરે છે. અલ્ટ બાલાજી અને ઝી ફાઇવ પર આ સિરીઝ રિલીઝ થશે. શ્વેતાએ કહ્યું હતું કે વકિલના પાત્રને કારણે હું અત્યંત ખુશ છું. આશા છે કે લોકોને આ સિરીઝ ખુબ ગમશે.