ફિલ્મ જગત
News of Friday, 24th May 2019

બે ફિલ્મો 'ઇન્ડિયાઝ મોસ્ટવોન્ટેડ' અને 'પીએમ નરેન્દ્ર મોદી' રિલીઝ

આજથી બે ફિલ્મો 'ઇન્ડિયાઝ મોસ્ટવોન્ટેડ' અને 'પીએમ નરેન્દ્ર મોદી' રિલીઝ થઇ છે.

નિર્માતા રાજકુમાર ગુપ્તા, માયરા કેમ અને નિર્દેશક રાજકુમાર ગુપ્તાની ફિલ્મ 'ઇન્ડિયા'ઝ મોસ્ટ વોન્ટેડ'માં સંગીત અમિત ત્રિવેદીનું છે.  અર્જૂન કપૂર, અમૃતા પુરી, રાજેશ શર્મા, પ્રશાંત એલેકઝાન્ડર, શાંતિલાલ મુખર્જી, દેવેન્દ્ર મિશ્રા, ગોૈરવ મિશ્રા, આસિફ ખાન, બજરંગબલી સિંઘ, પ્રવિણસિંહ સિસોદીયા, રાજીય કચરૂ, સુદેવ નાયર અને અંકિતા દૂબેએ મુખ્ય ભુમિકા નિભાવી છે. એકશન ડ્રામા પ્રકારની આ ફિલ્મ કુખ્યાત આતંકવાદીને પકડવાની કહાની પર આધારીત છે. એક પણ હથીયાર વગર મોસ્ટ વોન્ટેડ આતંકવાદીને દેશની એજન્સીના ખાસ અધિકારી અને તેની ટીમ કઇ રીતે પકડે છે તેની વાત આ ફિલ્મમાં છે. અર્જૂન કપૂર આઇબી કર્મચારીના  રોલમાં છે. તે બીજા ચાર લોકોને સાથે લઇ કોઇપણ જાતના હથીયાર વગર કઇ રીતે મોસ્ટ વોન્ટેડ અપરાધીને પકડી લાવે છે તેની આ કહાની છે. તે પહેલી જ વખત આવો રોલ નિભાવી રહ્યો છે. સત્ય ઘટના પર આ ફિલ્મ આધારીત છે.

બીજી ફિલ્મ  'પીએમ નરેન્દ્ર મોદી'ના નિર્માતા સુરેશ ઓબેરોય, સંદિપ સિંઘ, આનંદ પંડિત, અર્ચના મનિષ અને ઝફર મેહંદી તથા નિર્દેશક ઓમંગ કુમાર છે. ફિલ્મના ડાયલોગ્સ હર્ષ લીંબાચીયા, અનિરૂધ્ધ ચાવલા અને વિવેક ઓબેરોયએ લખ્યા છે. સ્ક્રીન પ્લે અનિરૂધ્ધ ચાવલા અને વિવેકનું છે. સ્ટોરી સંદિપ સિંઘની અને સંગીત હિેતષ મોદક તથા શશી-ખુશીનું છે.

ફિલ્મમાં વિવેક ઓબેરોયએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભુમિકા નિભાવી છે. જ્યારે બોમન ઇરાની રતન ટાટાના રોલમાં, મનોજ જોષી અમિત શાહના રોલમાં, કિશોરી સહાને ઇન્દિરા ગાંધીના રોલમાં, ઝરીના વહાબ મોદીના માતાજી હીરાબેનના રોલમાં, બરખા બિસ્ત સેનગુપ્તા જશોદાબેન મોદીના રોલમાં છે. આ ઉપરાંત ઇમરાન અને યતિનની પણ ભુમિકાઓ છે.

પ્રારંભે આ ફિલ્મમાં નરેન્દ્ર મોદીના રોલ માટે પરેશ રાવલના નામની વિચારણા થઇ હતી. જો કે બાદમાં વિવેકને આ રોલ સોંપાયો હતો. નરેન્દ્ર મોદીની આ બાયોપીક આજથી વર્લ્ડવાઇડ રિલીઝ કરવામાં આવી છે. ઓમંગ કુમારે અગાઉ પણ અલગ-અલગ બાયોપિક બનાવી છે.

(9:58 am IST)