પૂર્વ ‘બિગ બૉસ’ કંટેસ્ટંટ એઝાઝ ખાનની ડ્રગ્સના આરોપમાં પોલીસે કરી ધરપકડ
મુંબઈ: અભિનેતા અને પૂર્વ ‘બિગ બૉસ’ કંટેસ્ટંટ એઝાઝ ખાનની પોલીસે ધરપકડ કરી છે. એઝાઝ ખાન પર ડ્રગ્સ લેવાનો આરોપ છે. એઝાઝ પાસેથી નશાની 8 ગોળીઓ મળી આવી છે. આ મામલે નવી મુંબઈ પોલીસે એઝાઝની પુછપરછ ચાલુ કરી છે.જ્યારે પોલીસે એઝાઝને પકડ્યો ત્યારે તે નશામાં હતો અને જમીન પર પડેલો હતો. પોલીસે એઝાઝનાં બે ફોન પણ જપ્ત કર્યા છે. આ પહેલીવાર નથી જ્યારે પોલીસે એઝાઝની ધરપકડ કરી હોય. આ પહેલા વર્ષ 2017માં પોલીસે એઝાઝનાં ઘર પર રેડ પાડી હતી. તેની પર ડ્રગ્સ સપ્લાઈ કરવાનો આરોપ હતો. સાથે જ એઝાઝ પર એક ફીમેલ હેયરસ્ટાઇલિસ્ટને ન્યૂડ અને વલ્ગર તસવીરો મોકલવાનો પણ આરોપ છે. ઉલ્લેખનીય છે કે મૂળ ગુજરાતનાં અમદાવાદનો આ એક્ટર ફિલ્મ ‘રક્ત ચરિત્ર’, ‘નાયક’ અને ‘યા રબ’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કરી ચુક્યો છે. તે ‘કૉમેડી નાઇટ વિથ કપિલ’, ‘કરમ અપના અપના’, ‘કહાની હમારે મહાભારત કી’ અને ‘રહે તેરા આશીર્વાદ’ જેવી ટીવી સીરિયલમાં પણ મહત્વનાં રોલ કરી ચુક્યો છે. ‘બિગ બૉસ 12’ શરૂ થયા પહેલા તે ખાન સિસ્ટર્સને કહી ચુક્યો હતો કે તેઓ શૉમાં નિયમો પ્રમાણે રમે. તેણે એવું પણ કહ્યું હતુ કે ખાન સિસ્ટર્સ દિલચસ્પ છે. વર્ષ 2013માં આવેલા ‘બિગ બૉસ-7’માં એઝાઝે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી લીધી હતી. એઝાઝ ‘બિગ બૉસ-8’માં પણ જોવા મળ્યો હતો.