ફિલ્મ જગત
News of Tuesday, 23rd October 2018

૧૨ ડિસેમ્બરે કોમેડી કિંગ કપિલ શર્માના લગ્ન ગર્લફ્રેન્ડ ગિન્ની સાથે

મુંબઇ તા. ૨૩ : બોલિવૂડમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે.આ વર્ષે લગ્ન કરનારા સેલિબ્રિટીમાં કપિલ શર્માનું નામ પણ ઉમેરાયું છે. રણવીર સિંહ અને દીપિકા પદુકોણના લગ્નના એક મહિના પછી કપિલ શર્મા પણ સાત ફેરા ફરવાનો છે. કપિલ શર્મા તેની લોંગટાઈમ ગર્લફ્રેન્ડ ગિન્ની ચતરથ સાથે લગ્ન કરશે.

કપિલ શર્માએ એક વાતચીતમાં પોતાના લગ્નની તારીખ કન્ફર્મ કરતાં કહ્યું કે, 'લગ્ન ૧૨ ડિસેમ્બરના રોજ ગિન્ની(કપિલની થનારી પત્ની)ના હોમટાઉન જાલંધરમાં થશે. અમે આ સમારોહને એકદમ સાદા જ રાખવા ઈચ્છતાં હતાં પરંતુ ગિન્ની પોતાના માતા-પિતાનું એક જ સંતાન છે. આ કારણે તેનો પરિવાર ધૂમધામથી લગ્ન કરવા ઈચ્છે છે. હું તેમની ભાવનાઓને સમજું છું. મારી મા પણ એવું જ ઈચ્છે છે.'

કપિલ જણાવે છે કે, 'જ્યારે મારા ભાઈના લગ્ન થયાં ત્યારે મારી કમાણી વધુ નહોતી. જેથી અમે નાની જ જાન લઈને ગયા હતાં અને ભાભીને ઘરે લાવ્યાં હતાં. જયારે મારી બહેનના લગ્ન થયાં ત્યારે મારી કમાણી સારી હતી. અમારા સ્ટેટસ પ્રમાણે ખૂબ જ શાનદાર હતી.' કપિલ ટૂંક સમયમાં જ પોતાના કોમેડી શોમાં પણ પરત ફરવાનો છે. તેણે મુંબઈમાં શૂટિંગ પણ શરૂ કર્યું છે.

નોંધનીય છે કે પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્નની તારીખ હજુ નક્કી નથી. દીપિકા પદુકોણ અને રણવીર સિંહે સોશિયલ મીડિયા દ્વારા પોતાના લગ્નની તારીખ જાહેર કરી હતી. જે ૧૪ અને ૧૫ નવેમ્બરના રોજ થશે. હવે કપિલ શર્માએ પણ સ્પષ્ટ કર્યું હતું કે તેના લગ્ન ૧૨ ડિસેમ્બરના રોજ જાલંધરમાં થશે.

(11:09 am IST)