વેબસિરીઝનું નિર્દેશન કરશે કોંકણા
બોલીવૂડ અભિનેત્રી કોંકણા સેનશર્મા ડિજિટલ પ્લેટફોર્મ પર આવી રહી છે. કોંકણા જાણીતી બંગાળી કેબ્રે ડાન્સર મિસ શેફાલીના જીવન પર આધારીત વેબ સિરીઝનું નિર્દેશન કરી રહી છે. આ સિરીઝનું નિર્માણ ઝી સ્ટુડિયો કરી રહ્યું છે. ૨૦૨૦ની શરૂઆતમાં શુટીંગનો પ્રારંભ થશે. મિસ શેફાલીનું સાચુ નામ આરતી દાસ છે. ૬૦-૭૦ના દશકમાં તે કવીન ઓફ કેબ્રે તરીકે જાણીતી હતી. આરતી દાસે પોતાની શરતો મુજબ જિંદગી જીવી હતી. બોલીવૂડમાં કેબ્રે અને આઇટમ ડાન્સનો ટ્રેંડ શરૂ કરનાર અભિનેત્રી હેલનને આરતી પોતાની ગુરૂ માનતી હતી. આરતીએ સત્યજીત રે સાથે પણ કામ કર્યુ હતું. તેમજ અનેક નાટકોમાં પણ રોલ નિભાવ્યો હતો. આરતી છ મહિનાની હતી ત્યારે વિભાજન વખતે માતા-પિતા તેને લઇને બાંગલાદેશથી કોલકત્તા આવ્યા હતાં. તેનું બાળપણ ખુબ ગરીબીમાં પસાર થયું હતું. ૧૧ વર્ષની ઉમરે આરતીએ નોકરાણી તરીકે કામ શરૂ કર્યુ હતું. એંગ્લો ઇન્ડિયન પરિવારને ત્યાં રોજ પાર્ટી થતી હોઇ ડાન્સ જોઇને આરતી સ્ટેપ કોપી કરવાનો પ્રયાસ કરતી હતી. સમય જતાં તે ખુબ જાણીતી કેબરે ડાન્સર બની ગઇ હતી અને સતર વર્ષ સુધી તેણે રાજ કર્યુ હતું.