ફિલ્મ જગત
News of Friday, 22nd November 2019

યૌન શોષણના આરોપના વિવાદનો અંત ન આવતા અનુ મલિકે ઇન્ડિયન આઇડલ સોથી બહાર થવાનો નિર્ણય લીધો

નવી દિલ્હીઃ ગાયક અને કમ્પોઝર અનુ મલિક પર ઘણી મહિલાઓએ #MeToo મૂવમેન્ટ હેઠળ યૌન શોષણના આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ હવે અનુ મલિકે સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઇડલ 11 છોડી દીધું હતું. અનુ મલિકે થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં બબાલ મચ્યા બાદ એક ઓપન લેટર લખ્યો હતો. પરંતુ વિવાદનો અંત ન આવતા અનુ મલિકે શોથી બહાર થવાનો નિર્ણય લીધો છે.

સૂત્રો પ્રમાણે અનુ મલિક હવે ઈન્ડિયન આઇડલ 11થી બહાર થઈ ચુક્યા છે. પરંતુ તેની જગ્યાએ ક્યા મ્યૂઝિક કમ્પોઝરને રિપ્લેસ કરવામાં આવ્યા છે, તેની જાણકારી સામે આવી નથી. અનુ મલિક પર લાગેલા આરોપો બાદ સોની ટીપીને રાષ્ટ્રીય મહિલા આયોગે નોટિસ ફટકારી હતી. આયોગે નોટિસને તેના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર પણ શેર કરી હતી.

સિંગર અને કમ્પોઝર અનુ મલિકે થોડા દિવસ પહેલા પોતાના પર લાગેલી મીટૂના આરોપો પર મૌન તોડ્યું હતું. તેણે  #MeToo આરોપોને નકારતા એક ઓપન લેટર ટ્વીટર પર શેર કર્યો હતો. અનુ મલિકે લખ્યું, હું આટલા દિવસ ચુપ રહ્યો, રાહ જોતો રહ્યો કે સત્ય આપમેળે સામે આવી જશે. પરંતુ હવે મને અનુભવ થયો કે મારા મૌનને મારી નબળાઇ સમજવામાં આવી રહી છે. જ્યારથી મારા પર આ ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે ત્યારથી મારી પ્રતિષ્ઠા, મારા અને મારા પરિવારના માનસિક સ્વાસ્થ્ય પર ખુબ ખરાબ અસર પડી રહી છે. આ આરોપોએ મને અને મારા કરિયરને બરબાદ કરી દીધું છે.

આ ખુબ શરમજનક છે કે જિંદગીના આ પડાવમાં મારા નામની સાથે આટલા ખરાબ શબ્દ અને ડરાવણી ઘટનાઓને જોડવામાં આવી રહી છે. આ વિશે પહેલા કેમ સવાલ ન કરવામાં આવ્યા? આ આરોપ ત્યારે કેમ લગાવવામાં આવ્યા જ્યારે હું ટીવી પર પરત આવ્યો જે આ સમયે મારી આવકનું એકમાત્ર સાધન છે. બે પુત્રીઓનો પિતા હોવાને નાતે હું આ પ્રકારનું કામ કરવાનું વિચારી પણ ન શકું. શો ચાલું રહેવો જોઈએ... પરંતુ આ હસ્તા ચહેરાની પાછળ... હું મુશ્કેલીમાં છું. હું કોઈ અંધારામાં છું. મને બસ ન્યાય જોઈએ.

(4:57 pm IST)