ફિટનેસ મેળવવા તમન્નાની મહેનત
બોલીવૂડથી અભિનય કારકિર્દીનો પ્રારંભ કર્યા બાદ સાઉથમાં પહોંચી સુપરસ્ટાર બની ચુકેલી તમન્ના ભાટીયા તાજેતરમાં કોરોનાથી સંક્રમિત થઇ હતી. ખુબ ઝડપથી તે કોરોનાને હરાવીને સાજી થયા બાદ ફરીથી કામ પર જવા તૈયાર થઇ ચુકી છે. જો કે હાલમાં તે સ્ટેમિના પાછી મેળવવા કમર કસી રહી છે. તે ઘરે જ વર્કઆઉટ કરી રહી છે. પ્રારંભે તે ખુબ જાળવીને આ કામ કરી રહી છે. બિમારીમાંથી ઠીક થવાની સાથે જ તે વધુ ટેેન્શન લેવા ઇચ્છતી નથી. સોૈથી પહેલા તે પોતાની જાતને સ્વસ્થ બનાવવા ઇચ્છે છે. તે કસરતો કરતી હોય તેવો વિડીયો સોશિયલ મિડીયા પર પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે શરૂઆતમાં અલગ-અલગ હળવી કસરતો કરી હતી. એ પછી ચાલીસ પુશઅપ કર્યા હતાં. તેણે કેપ્શનમાં ફિટનેસ પર વાપસી, પહેલા દિન...એવું લખ્યું હતું. તે કહે છે તમારે તમારા શરીરનું સાંભળવું જોઇએ. તમન્ના નવાજુદ્દિન સાથે બોલે ચુડીયામાં જોવા મળી છે. ત્રણ ભાષામાં તે પચાસથી વધુ ફિલ્મો કરી ચુકી છે. બાહુબલી સિરીઝ તેને ખુબ ફળી હતી.