ફિલ્મ જગત
News of Tuesday, 22nd June 2021

‘The Family Man 2’ બની વિશ્વની ચોથી સૌથી લોકપ્રિય સિરીઝ : FRIENDS ને પાછળ મૂકીને બનાવ્‍યો રેકોર્ડ

ધ ફેમિલી મેનની બીજી સીઝનને પણ ચાહકોથી એજ પ્રેમ મળ્‍યો છે જે પહેલી સીઝનને મળ્‍યો છે

મુંબઇ,તા. ૨૨: મનોજ બાજપેયી શારિબ હાશમી અને સામન્‍થા અક્કિનેની સ્‍ટારર વેબસીરીઝ ‘ધ ફેમિલી મેન ૨' તાજેતરમાં જ રિલીઝ થઈ છે. ધ ફેમિલી મેનની બીજી સીઝનને પણ ચાહકોથી એ-જ પ્રેમ મળ્‍યો છે જે પહેલી સીઝનને મળ્‍યો હતો. આવી સ્‍થિતિમાં હવે આ સિરીઝે પણ પોતાના નામે એક ખાસ રેકોર્ડ બનાવ્‍યો છે.

ચાહકોને આ સિરીઝની નવી વાર્તા ખૂબ પસંદ આવી રહી છે.  વિવેચકોના સ્‍તરે પણ આ સિરીઝને ઘણી પસંદ કરવામાં આવી છે. જયાં એક તરફ દરેક જણ સિરીઝની પ્રશંસા કરી રહ્યા છે, તો બીજી તરફ ‘ધ ફેમિલી મેન ૨' એ એક નવો રેકોર્ડ બનાવ્‍યો છે.

ચાહકોને એ જાણીને ખૂબ આનંદ થશે કે મનોજ બાજપેયીની આ શ્રેણીને આઇએમડીબી પર વિશ્વની ચોથી સૌથી લોકપ્રિય વેબ સિરીઝ બનાવવામાં આવી છે. ‘ધ ફેમિલી મેન ૨' વિશ્વભરમાં ચોથા નંબર પર સૌથી વધુ પસંદ કરવામાં આવેલી સિરીઝ બની છે.

આ સાથે, આ સિરીઝને આઇએમડીબી પર ૧૦ માંથી ૮.૮ સ્‍ટાર્સ આપવામાં આવ્‍યા છે. આ રેટિંગ સાથે, ‘ધ ફેમિલી મેન ૨' વિશ્વના ટોપ ૫ બેસ્‍ટ વેબસિરીઝની સૂચિમાં સામેલ થઈ ગઈ છે.

આ વિશિષ્ટ રેકોર્ડની સાથે, સિરીઝે ઘણી શાનદાર અને લોકપ્રિય સિરીઝને પાછળ છોડી દીધી છે. હવે ‘ધ ફેમિલી મેન ૨' એ ફ્રેન્‍ડ્‍સ, ગ્રેઝ એનાટોમી જેવી સિરીઝને પાછળ છોડી દીધી છે. જયારે લોકી, સ્‍વીટ ટૂથ અને મિયર ઓફ ઇસ્‍ટટાઉન હજી પણ ફેમિલી મેનથી આગળ છે.

આ ખાસ રેકોર્ડ વિશે માહિતી અભિનેતા મનોજ બાજપેયીએ ખુદ ચાહકોને આપી છે. અભિનેતાએ ટ્‍વીટ કરીને ચાહકો સાથે આ સારા સમાચાર હાલમાં જ શેર કર્યા છે. અભિનેતાએ લખ્‍યું છે કે ફેમિલી મેન ૨ વિશ્વનો ચોથો સૌથી લોકપ્રિય શો બની ગયો છે.

ચાહકોને આ પહેલા આ સિરીઝની પહેલી સીઝન પણ ખુબ પસંદ આવી હતી. આ સિરીઝની વાર્તા આ વખતે એક નવા વળાંક સાથે રજૂ કરવામાં આવી છે. જેમાં હવે શ્રીકાંત તિવારી એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને તેના બોસની દાટો ખાય છે. ફેમિલી ડ્રામા આ વખતે પણ ફુલ ભરેલુ છે. મીડિયા રિપોર્ટ્‍સ અનુસાર, શોની ત્રીજી સીઝનની તૈયારી શરૂ થઈ ગઈ છે. સમાચારોની વાત માનીએ તો આ વખતે સિરીઝમાં ફરીથી નવો સાઉથનો સુપરસ્‍ટાર જોવા મળશે. જોકે મેકર્સે ત્રીજી સીઝન પર હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

(10:40 am IST)