દબંગ 3માં વિલનના રોલમાં નજરે પડશે સકીબ સલીમ
મુંબઈ:અભિનેતા સકીબ સલીમને સલમાન ખાનની સુપરહિટ ફ્રેન્ચાઇઝી દબંગની ત્રીજી કડીમાં મુખ્ય વિલનનો રોલ મળ્યો હોવાની માહિતી મળી હતી. સલમાન સાવ નવોદિતોને પીઠબળ આપવા ઉપરાંત જેમની કારકિર્દી હાલ ડામાડોળ હોય એવા કલાકારોને મદદ કરવા માટે પંકાયેલો છે. રેસ થ્રીમાં એણે બોબી દેઓલની કારકિર્દીને ફરી જીવતદાન આપ્યું હતું એ હકીકત હવે જગજાહેર છે. ડેઝી શાહ, જેક્લીન ફરનાન્ડિસ, સૂરજ પંચોલી વગેરેને પણ સલમાને તક આપી હતી અને એમાંની જેક્લીન તો આજે ટોચની અભિનેત્રી ગણાતી થઇ ચૂકી છે. સકીબને રેસ થ્રીમાં તક આપવા ઉપરાંત સલમાને એને હવે દબંગ થ્રીમાં વિલન તરીકે તક આપી છે. રેસ થ્રી વખતે જ સકીબે એક મુલાકાતમાં કહ્યું હતું કે સલમાનની ફિલ્મમાં મને તક મળી છે એટલે મારી કારકિર્દીને જરૃર વેગ મળશે. જો કે સલમાનની નિકટનાં સૂત્રોએ કહ્યું કે હજુ સલમાને સકીબને ઔપચારિક રીતે સાઇન કર્યો નથી. હજુ તો ભાઇના મનમાં આ વિચાર પ્રગટયો છે કે દબંગ થ્રીમાં વિલન તરીકે સકીબ સલીમને લઇ શકાય. મૂળ દબંગમાં સોનુ સૂદ અને દબંગ ટુમાં પ્રકાશ રાજે વિલનના રોલ કર્યા હતા.