ફિલ્મ જગત
News of Saturday, 21st November 2020

સલમાન ખાનની 'રાધે' ૨૦૨૧ના ઇદમાં રિલીઝ થશે

મુંબઇ તા. ૨૧ : બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની બહુપ્રતિક્ષિત 'રાધે : યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ' ફિલ્મ થિયેટરોમાં જ રિલીઝ થશે અને નિર્માતાઓ તેને આવતા વર્ષે ઇદ તહેવારમાં રિલીઝ ફરવા ધારે છે. ઉલ્લેખનીય છે કે સલમાન કાયમ પોતાની નવી ફિલ્મ ઇદના તહેવાર વખતે જ રિલીઝ કરતો હોય છે. થોડાક દિવસો પહેલા સમર્થન વિહોણા અહેવાલોમાં જણાવાયું હતું કે, 'રાધે' ફિલ્મ કદાચ OTT (ઓવર-ધ-ટોપ) પ્લેટફોર્મ પર રિલીઝ કરાશે. પણ હવે નવા અહેવાલો અનુસાર દર્શકો 'રાધે' ફિલ્મની મોટા પડદા ઉપર મજા માણી શકશે.

આ સમાચારને જાણીતા ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે એમના ટ્વિટર એકાઉન્ટ પર સમર્થન આપ્યું છે. એમણે સલમાનનો રાધે ફિલ્મનો લુક શેર કરીને સ્પષ્ટ કર્યું છે કે આ ફિલ્મ થિયેટરોમાં જ રિલીઝ કરવામાં આવશે. એમણે સાથોસાથ એ પણ જણાવ્યું છે કે, નિર્માતાઓ આ ફિલ્મને ૨૦૨૧ના ઇદ તહેવાર પર રિલીઝ કરશે.

આ ફિલ્મમાં દિશા પટની બની છે સલમાનની પ્રેમિકા. આ બે કલાકાર ઉપરાંત આ ફિલ્મમાં જેકી શ્રોફ, રણદીપ હુડ્ડા અને ગૌતમ ગુલાટી પણ છે. ફિલ્મમાં એકશન દ્રશ્યો ભરપૂર જોવા મળશે. ફિલ્મના દિગ્દર્શક છે પ્રભુ દેવા. નિર્માતાઓ છે સોહેલ ખાન, અતુલ અગ્નિહોત્રી અને સલમાન ખાન.

(3:26 pm IST)