ફિલ્મ જગત
News of Thursday, 21st June 2018

૨૦૦ કરોડ કલબમાં પહોંચી આલિયા ભટ્ટ - વિક્કી કૌશલની 'રાઝી'

માઉથ પબ્લિસિટીનો ફાયદો : ફીમેલ સેન્ટ્રીક ફિલ્મ છે

મુંબઇ તા. ૨૧ : ફિલ્મ્સને લઈને વારંવાર એકસપિરિમેન્ટ્સ થઈ રહ્યાં છે અને આ જ નવી રીત દર્શકોને પણ પસંદ પડી છે. ફિલ્મમેકર્સે એ વાત સાબિત કરી દીધી છે કે કન્ટેન્ટવાળી ફિલ્મ્સથી પણ કોમર્શિયલ સફળતા મેળવી શકાય છે. આ જ લાઈનમાં આલિયા ભટ્ટ અને વિકી કૌશલ સ્ટારર સ્પાય થ્રિલર ફિલ્મ 'રાઝી' એ દુનિયાભરમાં ૨૦૭ કરોડ રુપિયાની કમાણી કરી છે.

આ ફિલ્મે બોલિવૂડમાં એક નવી ક્ષિતીજ વિસ્તારી છે. ફિલ્મના કો પ્રોડ્યૂસર કરણ જોહરે સોશિયલ મીડિયા પર આ ફિલ્મને માઈલસ્ટોન પાર કરવા બદલ શુભેચ્છા પાઠવી હતી. આ ફિલ્મ મેઘના ગુલઝારે બનાવી છે અને ૧૧ મેના રોજ રીલિઝ થયા પછી તે શાનદાર કમાણી કરી રહી છે. ફિલ્મના પોઝિટિવ રિવ્યૂ અને માઉથ પબ્લિસિટીના કારણે વધારે લોકો તેને જોવા માટે પહોંચી રહ્યાં છે.

મેઘનાએ નાના પડદે એક એવી મહિલાની સ્ટોરી બતાવી છે. જેણે પોતાના દેશ માટે બધું જ કુરબાન કર્યું છે. વાસ્તવમાં ફિલ્મનું કોન્ટેન્ટ અને તેના ડાયલોગ્સ જેમ કે,'વતન કે આગે કુછ નહી, ખુદ ભી નહિ' લોકોમાં દેશભકિતની ભાવના ભરવામાં સફળ રહ્યાં હતાં. આ ફિલ્મની ડિરેકટર એક મહિલા છે અને મહિલા એકટ્રેસ પણ લીડ રોલમાં છે. આથી 'રાઝી' એ સાબિત કર્યું કે ફિલ્મની સ્ટોરી જ બધું છે. હવે ફીમેલ સેન્ટ્રિક ફિલ્મ્સને આગળ વધારવાનો સમય છે.

આ ફિલ્મની સ્ટોરી એક યુવતી સહમતની છે. જે પાકિસ્તાન જઈને પોતાના દેશ માટે જાસૂસી કરવા માટે પોતાને પૂરી રીતે બદલી નાખે છે. ફિલ્મમાં તે નાજુક લાગે છે પરંતુ તેની આ માસૂમિયત જ તેની તાકાત છે. આથી જ તે એ ભારતની સૌથી બહાદુર જાસૂસમાંથી એક બને છે. ફિલ્મમાં આલિયા અને વિકી કૌશલ ઉપરાંત જયદીપ અહલાવત, શિશિર શર્મા, રજિત કપૂર, સોની રાઝદાન, આરિફ જકારિયા અને અમૃતા ખાનવિલકર મહત્વની ભૂમિકામાં છે.(૨૧.૬)

(11:57 am IST)