ફિલ્મ જગત
News of Tuesday, 21st May 2019

ઐશ્વર્યા પર મીમ

વિવેકે કહ્યું, મેં ખોટું નથી કર્યું તો પછી માફી કેમ માગું?

મુંબઈ તા. ૨૧ : એકિઝટ પોલ્સ સંદર્ભે એકટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન પર મીમ શેર કર્યા બાદ ઘેરાયેલા એકટર વિવેક ઓબેરોયે માફી નથી માગી. સોશિયલ મીડિયા પર થઈ રહેલી ટીકા અને રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા નોટિસ મોકલાવ્યા બાદ વિવેક ઓબેરોયે કહ્યું કે તેણે કશું ખોટું નથી કર્યું. બોલિવૂડ એકટરે કહ્યું કે લોકો કહી રહ્યા છે કે માફી માગો, મને માફી માગવામાં કોઈ સમસ્યા નથી પણ મને જણાવો કે મેં ખોટું શું કર્યું છે?  NCWના અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું કે વિવેક ઓબેરોયે સોશિયલ મીડિયા પર માફી માગવી જોઈએ.

વિવેક ઓબેરોયે કહ્યું કે હું નથી જાણતો કે લોકો કેમ આ વાતને મોટો મુદ્દો બનાવી રહ્યા છે. કોઈએ મને એક મીમ મોકલ્યું હતું અને મેં તે વ્યકિતની રચનાત્મકતાના વખાણ કર્યા. જો કોઈ તમારા પર હસે તો તમારે તે ગંભીરતાથી લેવું જોઈએ નહીં. વિવેક ઓબેરોયે વધુમાં કહ્યું કે જે મીમમાં છે તેઓને કોઈ સમસ્યા નથી અને બીજા લોકોને વધુ સમસ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીનું નામ લીધા વિના વિવેકે કહ્યું કે દીદી (મમતા બેનરજી)એ એક મીમના મુદ્દે કોઈને જેલમાં ધકેલ્યા હતા અને હવે લોકો મને પણ જેલમાં મોકલવાનું કહી રહ્યા છે. હવે તે લોકો મારી ફિલ્મ નથી રોકી શકતા તો આ પ્રયાસ કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીના જીવન પર આધારિત બાયોપિક 'પીએમ નરેન્દ્ર મોદી'માં એકટર વિવેક ઓબેરોય મોદીની ભૂમિકામાં જોવા મળશે.

એકટ્રેસ સોનમ કપૂરની પ્રતિક્રિયા પર વિવેક ઓબેરોયે કહ્યું કે મેં વાંચ્યું મને લાગે છે કે કયારેક-કયારેક કેટલાંક લોકો કૂલ બનવા માટે ટ્વિટર પર આ બધું લખતા હોય છે. હું સોનમને પૂછવા માગું છું કે તેણે મહિલા સશકિતકરણના મુદ્દે કેટલું કામ કર્યું છે? અમે ગત ૧૦ વર્ષમાં ૨૨૦૦ બાળકોનું સશકિતકરણ કર્યું છે જે પૈકી કેટલીક બાળકીઓ આજે સ્કોલરશિપ પર અમેરિકા, યૂકે અને કેનેડામાં અભ્યાસ કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે સોનમ કપૂર સારી છે અને તેના પિતા અનિલ કપૂરનું હું ખૂબ સન્માન કરું છું પણ હું સોનમને સલાહ આપવા માગું છું કે તે તેની ફિલ્મોમાં ઓવરએકિટંગ ઓછી કરે અને સોશિયલ મીડિયા પર ઓછું ઓવર રિએકટ કરે.

(10:31 am IST)