ફિલ્મ જગત
News of Monday, 21st May 2018

કુલ છ કરોડના ખર્ચે બનેલી ફિલ્મ ક્રિના ૮મીએ રજુ થશે

બૉલીવુડ ફિલ્મ ક્રિની સ્ટારકાસ્ટ શહેરમાં: આદિવાસી પ્રજાની સંવેદનશીલ સમસ્યાઓને હૃદયસ્પર્શી રીતે ફિલ્મમાં રજૂ કરવામાં આવી હોવાથી દર્શકોને ગમશે

અમદાવાદ, તા.૨૧:        અપકમિંગ બૉલીવુડ ફિલ્મ ક્રિના સ્ટારકાસ્ટે અમદાવાદ શહેરની મુલાકાત લીધી હતી. જેમાં ફિલ્મની અભિનેત્રી રાગિની ખન્ના અને હીરો પાર્થ સિંઘ ચૌહાણ શહેરના મેહમાન બન્યા હતા. કંઇક અલગ વિષય સાથે રૂ. છ કરોડના ખર્ચે તૈયાર થયેલી બોલીવુડ ફિલ્મ ક્રિના તા.૮મી જૂને દેશભરમાં રિલીઝ થઇ રહી છે. ફિલ્મની કથા અને રસપ્રદ વાતોને જણાવતાં ફિલ્મની અભિનેત્રી રાગિણી ખન્નાએ જણાવ્યું હતું કે, ફિલ્મની વાર્તા આદિવાસી પ્રજા પર આધારિત છે. જેમાં અલગ અલગ કબીલાના સરદારો તેમના ગામના લોકોને ખુબજ પરેશાન કરતા હોય છે અને એ સમયે સુપરહીરો ક્રિના ગામના લોકોને બચાવવા માટે આવે છે અને પછી દિલધડક અને રોમાંચભર્યા દ્રશ્યો સાથે ફિલ્મની કથા આગળ વધે છે. અમને આશા છે કે, આદિવાસી પ્રજાની સંવેદનશીલ સમસ્યાને હૃદયસ્પર્શી રીતે ફિલ્મમાં રજૂ કરવામાં આવી હોઇ દર્શકોને ગમશે. હિન્દી ફિલ્મોના રિપીટ અને બીબાઢાળ વિષય વસ્તુ કરતાં આ ફિલ્મમાં કંઇક અલગ જ વિષય આવરી લેવામાં આવ્યો છે. ક્રિના ફિલ્મ પાછળ કુલ રૂ.છ કરોડ નો ખર્ચ કરવામાં આવ્યો છે અને અનેક સિનેમેટિક શોટ્સ લેવામાં આવ્યા છે જે જુદા જુદા પ્રકાર ની એનિમેટેડ અને મોટા બજેટ ની ફિલ્મો માં જોવા મળે છે. ફિલ્મ માં બાહુબલી ની જેમ અનેક રસપ્રદ અને ધ્યાનાકર્ષક શોટ્સ પણ લેવામાં આવ્યા છે, જે લોકો ના મન મોહી લેશે. દરમ્યાન ફિલ્મના હીરો પાર્થ ચૌહાણે જણાવ્યું હતું કે, આ ફિલ્મ મારી પ્રથમ ફિલ્મ છે અને મેં આ ફિલ્મ માટે ઘણી મેહનત કરી છે. હું મારા એક્ટિંગ શોખ અને વ્યવસાયની સાથે સાથે અભ્યાસમાં પણ એટલું જ ધ્યાન આપું છું જેથી મારા ભણતર પર કોઈપણ પ્રકારની વિપરીત અસર ના પડે. મને આશા છે કે બાળકોની સાથે સાથે મોટા લોકોને પણ આ ફિલ્મ ખુબ જ ગમશે. કારણ કે, ફિલ્મની કથા અલગ જ વિષયવસ્તુ પર આધારિત છે. જેના માટે ફિલ્મની સ્ટારકાસ્ટ સહિત સમગ્ર ટીમે ખૂબ જ મહેનત કરી છે.

(1:19 am IST)