ફિલ્મ જગત
News of Thursday, 21st January 2021

સ્‍ટ્રગલ પીરિયડમાં સુશાંતસિંહ ખ્‍યાતનામ ડાન્‍સર શ્‍યામક દાવરના ડાન્‍સ ગ્રુપમાં જોડાઇને બેકગ્રાઉન્‍ડ ડાન્‍સર તરીકે ઐશ્વર્યા રાય સાથે પરફોર્મન્‍સ કર્યુ હતુ

નવી દિલ્હી: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આજે 35મી જયંતી છે. જો તે આજે જીવિત હોત તો પોતાનો 35મો જન્મદિવસ ઉજવતો હોત. ગત વર્ષે અભિનેતાના અકાળે થયેલા મોતથી આખો દેશ આઘાતમાં સરી પડ્યો હતો. આજે તેના જન્મદિવસે આખો દેશ તેને યાદ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર #SushantDay ટ્રેન્ડ થઈ રહ્યો છે. આ અવસરે સુશાંતે કેવા કપરા સમયમાં હિંમત ન હારીને બોલીવુડમાં એક આગવું સ્થાન બનાવ્યું હતું તે જાણીએ.

સુશાંત સિંહ રાજપૂતે 2007માં પોતાનો પ્રથમ પ્લે 'પુકાર' અને બીજો કોમેડી પ્લે 'દૌડા દૌડા ભાગા ભાગા સા'થી પોતાની પ્રતિભાને દુનિયા સામે લાવવાની શરૂઆત કરી હતી. સુશાંતને એક પ્લે દરમિયાન બોક્સ ઓફિસ કાઉન્ટર પર ટિકિટ સંભાળતી વખતે બાલાજી ટેલિફિલ્મ્સના કાસ્ટિંગ પર્સને શોધ્યો હતો. અહીંથી તેનું ભાગ્ય પલટાયું અને તેને એક્તા કપૂરના શો 'કિસ દેશ મેં હૈ મેરા દિલ'માં તક મળી.

સુશાંતે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે સ્ટ્રગલના સમયમાં તે 6 લોકો સાથે રૂમ શેર કરતો હતો. આ દરમિયાન તેને એક પ્લેના 250 રૂપિયા મળતા હતા. સુશાંત  ક્યારેક ક્યારેક ફિલ્મોમાં હીરો હીરોઈન પાછળ બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે પણ કામ કરી લેતો હતો. સ્ટ્રગલ પીરિયડમાં સુશાંત ખ્યાતનામ ડાન્સર શ્યામક દાવરના ડાન્સ ગ્રુપમાં જોડાયો અને બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે પરફોર્મન્સ પણ આપ્યા હતા. આ દરમિયાન એશ્વર્યા રાયે 2006 કોમનવેલ્થ ગેમ્સમાં આપેલું પરફોર્મન્સ યાદગાર બની ગયુ. જેમાં બેકગ્રાઉન્ડ ડાન્સરોમાં સુશાંત પણ સામેલ હતો.  આ ઉપરાંત રિતિક રોશન સાથેના ડાન્સ ટ્રક ધૂમ અગેનમાં પણ બેકગ્રાઉન્ડ ડાન્સર્સમાં સુશાંત જોવા મળ્યો હતો.

મુંબઈમાં ઘણા સમય સુધી સ્ટ્રગલ કર્યા બાદ સુશાંતને 2008માં ટીવી પર પહેલો બ્રેક બાલાજી ટેલિફિલ્મ્સના શો 'કિસ દેશ મેં હૈ મેરા દિલ'થી મળ્યો. જો કે કરિયરને ઉડાણ તો 2009થી 2011 વચ્ચે આવેલા શો 'પવિત્ર રિશ્તા'થી મળી. સુશાંતને બોલીવુડમાં બ્રેક 2013માં પહેલી ફિલ્મ 'કાઈ પો છે' થી મળ્યો. બસ પછી તેણે પાછું વળીને જોયું નથી.

ત્યારબાદ રાબ્તા, કેદારનાથ, સોનચિડિયા, છિછોરે, ડ્રાઈવ, એમએસ ધોની, પીકે, છેલ્લે દિલ બેચારી જેવી ફિલ્મોમાં સુશાંતનો દમ જોવા મળ્યો હતો. સુશાંતને કાર અને બાઈકનો પણ ખુબ શોખ હતો.

(5:12 pm IST)