હવે ‘બૉલિવૂડ કી હૉમ ડિલીવરી..!’ મોટા સ્ટાર્સ થશે લાઈવ, કરશે મોટી જાહેરાત
ફિલ્મોની રિલીઝ ડેટને લઈને કરશે એનાઉન્સ: અક્ષય કુમાર અને અજય દેવગનની જાહેરાત પર સૌની નજર
મુંબઈ: કોરોના વાઈરસનો પ્રકોપ જે પ્રકારે વિશ્વભરમાં હાહાકાર મચાવી રહ્યો છે, તે ખરેખર ચિંતાનો વિષય છે. ભારતમાં પણ છેલ્લા એક મહિનામાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. અઢી મહિનાના લૉકડાઉન બાદ હવે અનલૉક ચાલી રહ્યું છે, પરંતુ તકેદારીના ભાગરૂપે મલ્ટીપ્લેક્સ અને થિયેટરોને બંધ રાખવામાં આવ્યા છે. જેના કારણે અનેક ફિલ્મોની રિલીઝ અટકી ગઈ છે. જેને ધ્યાનમાં રાખીને બોલિવૂડ સેલેબ્સ એક મોટી જાહેરાત કરવાની તૈયારીમાં છે.
ડિઝની પ્લસ હૉટસ્ટાર VIPએ ટ્વીટર પર આ વાતની જાણકારી આપી છે છે કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા કલાકારો પોતાની ફિલ્મોને રિલીઝ કરવાના સંદર્ભમાં એક મોટી જાહેરાત કરવા જઈ રહ્યાં છે. આ સ્ટાર્સમાં અક્ષય કુમાર, અજય દેવગન, અભિષેક બચ્ચન, આલિયા ભટ્ટ અને વરૂણ ધવન સામેલ છે.
ટ્વીટમાં આ સેલેબ્સના ફોટો સાથે કેપ્શન લખવામાં આવ્યું છે કે, બૉલિવૂડની હૉમ ડિલીવીરી. આ જાહેરાત અપકમિંગ ફિલ્મોની રિલીઝને લઈને કરવામાં આવી શકે છે. આ સ્ટાર્સ સોમવારે 29-જૂનના રોજ એકસાથે લાઈવ થશે.
ટ્વીટ સાથે કેપ્શનમાં લખ્યું છે કે, સોમવારે સાંજની ચા સ્ટાર્સ સાથે. બોલિવૂડના મોટા સ્ટાર્સ તમારા માટે મોટા સમાચાર લઈને આવી રહ્યાં છે. 29-જૂન સાંજે 4:30 કલાકે તૈયાર રહો.