ફિલ્મ જગત
News of Wednesday, 15th May 2019

આજે ધક-ધક ગર્લ માધુરી દિક્ષીતનો જન્‍મદિવસઃ જાણો અજાણી વાતો

નવી દિલ્હીઃ બોલીવુડના ધક-ધક ગર્લ માધુરી દીક્ષિત આજે પોતાનો 52મો જન્મદિવસ મનાવી રહી છે. મુંબઈના ચિત્પવન બ્રાહ્મણ પરિવારમાં 15 મે 1967માં તેનો જન્મ થયો હતો. 80 અને 90ના દાયકામાં માધુરી દીક્ષિત બોલીવુડની ટોપ અભિનેત્રીઓની યાદીમાં સામેલ હતી. મહત્વનું છે કે માધુરીએ 1986માં ફિલ્મ 'અબોધ' અને 'સ્વાતિ'ની સાથે પોતાના અભિનય કરિયરની શરૂઆત કરી હતી. હાલમાં આવેલી ફિલ્મ 'કલંક'માં માધુરી દીક્ષિત ઘણા વર્ષો બાદ અભિનેતા સંજય દત્તની સાથે જોવા મળી હતી.

'કથક'માં ટ્રેન્ડ માધુરીએ ક્યારેય વિચાર્યું નહતું કે તે અભિનયને પોતાનું કરિયર બનાવશે. મુંબઈના વિલે પાર્લે કોલેજથી માધુરીએ માઇક્રોબાયોલોજીમાં અભ્યાસ કર્યો છે. માધુરી દીક્ષિતેને દિલ, બેટા, હમ આપકે હૈં કોન, મૃત્યુદંડ, લજ્જા, દિલ તો પાગલ હૈ જેવી ફિલ્મમો માટે ઓળખવામાં આવે છે. માધુરી દીક્ષિત લગભગ 70થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

જ્યારે સુરેશ વાડકરે ઠુકરાવ્યો સંબંધ

માધુરી દીક્ષિતે ભલે ડોક્ટર રામ નેને સાથે લગ્ન કરીને ઘર વસાવી લીધું હોય પરંતુ સમય એવો હતો જ્યારે માધુરીને જાણીતા ગાયક સુરેશ વાડકરે રિજેક્ટ કરી દીધી હતી. થયું એવું કે માધુરીના માતા-પિતા ઈચ્છતા હતા કે તે ફિલ્મોમાં ન જઈને લગ્ન કરીને ઘર વસાવી લે. તે માટે માધુરીના માતા-પિતાએ પોતાના પરિચિત સુરેશ વાડકરને પરિવારને માધુરી માટે માગુ મોકલ્યું હતું, પરંતુ વાડકરે તે કહીને ઇનકાર કરી દીધો કે યુવતી ખુબ દુબળી-પાતળી છે. જ્યારે આ સંબંધની પહેલ થઈ ત્યારે માધુરી પોતાની પર્દાપણ ફિલ્મ અબોધ કરી ચુકી હતી, તો સુરેશ વાડકર તે સમયે ઉભરતો ગાયક હતો. વાડકરે સંબંધ ઠુકરાવતા માધુરી ખુબ ખુશ થઈ હતી. ત્યારબાદ તેને માતા-પિતાએ ફિલ્મોમાં જવાની મંજૂરી આપી દીધી હતી.

પદ્મશ્રીથી સન્માનિત છે માધુરી

માધુરીએ 17 ઓક્ટોબર, 1999ના ડોક્ટર શ્રીરામ માધવ નેને સાથે લગ્ન કરી લીધા અને તેને બે પુત્રો પણ છે. મહત્વનું છે કે માધુરી એકમાત્ર અભિનેત્રી છે જેને 14 વખત ફિલ્મફેયર એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી છે. આ સિવાય તેને ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી છે. માધુરી ભારત પરત આવ્યા બાદ બોલીવુડ પ્રોજેક્ટસમાં વ્યસ્ત છે.

(5:37 pm IST)